પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫

ઝૂમણાની ચોરી

આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરતચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી, ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો, જઈને બાયડીને કહ્યું : “આ લે, આ સંતાડી દે.”

“આ ક્યાંથી લાવ્યા ? આ તો માનું ઝૂમણું !” બાઈ ચેાંકી ઊઠી.

“ચૂપ રે, રાંડ ! તારે એની શી પંચાત ! ઝટ સંતાડી દે.”

“અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો ઝરે."

હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું, અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો.

ભળકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈ આઠ સાંતીમાંથી ચાર સાંતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાનાં લગ્ન કર્યાં.

૨.

આંહીં, વંડાના દરબારમાં શું બન્યું ? કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું ન મળે. વાળંદને બોલાવ્યો; પૂછ્યું : “એલા, ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ?”

હજામ કહે : “માડી, મને ખબર નથી.”

બાઈ સંભારવા લાગ્યાં : “તઈં કોણે લીધું હશે ?”