પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૨૧ર

કૈંક કઢારા, કાઢિયા, ( હવે ) છોરું બાંન પિયાં,
રેશમિયો ભેડો જાતે, માથે દાણિંગર રિયાં,

મારે માથે કરજ હતું, તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે.

ભેડો અમણો ભા, (જાણ્યો) વાંઢિયા,ને વરતાવશે,
(ત્યાં તો) વાટે વિસામા, રોળ્યા રેશમિયા !

આશા હતી કે, રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે; ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામા, તેં અમારા જીવન-પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યાં.

ભેડા ભાંગી ડાળ, જેને આધારે ઊભતા,
કરમે કોરો કાળ, રોળ્યાં રેશમિયા !

હે ભેડા, જેને આધારે અમે ઊભાં હતાં તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો.

(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું [૧] તણાં,
(એના) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં રેશમિયા !

આ જાતજાતની રૂપાળી ગાયોનાં ધણ રેઢાં ચાલ્યાં જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે.

જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું, છાતી સુધી જ્યારે


  1. * નીરડી, ખેરડી, ઝરિયું, કાબરી, ગોરી, ધોળી — એ બધી ગાયોનીજાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને 'નીરડી' કહેવાય.