પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૮
રાષ્ટ્રિકા
 




જ્યોતિ


• દળગીત છંદ[૧]


જ્યોતિ, જ્યોતિ, જ્યોતિ, જ્યોતિ : જોની જ્યોતિ ચાલી જાય !
એને પગલે પગલે કેવાં આજે અંધારાં છૂંદાય !
જ્યોતિ આગળ, જ્યોતિ પાછળ, જ્યોતિ એ સર્વત્ર જણાય :
વીરો ! રહો એ જ્યોતિમાંય ! ૧

આજે વાયાં જેનાં વહાણાં, તેને રજનીના શા શોક ?
આજે ઊઘડી જેની આંખો, તેને ઊંઘતણો ડર ફોક ;
જેને દિવ્ય થયાં જ્યોતિનાં દર્શન, તેને શા આ લોક ?
વીરો ! જ્યાંત્યાં જ્યોતિ જ છાય ! ૨

જેવી જ્યોતિ ગૃહદીપોની, તેવી તારકની છે વ્યોમ ;
ઝબુકા વીજ ભરે વાદળમાં, ઉરમાં ઝબકે સૂરજ સોમ ;
આજે ઊઘડી આતમજ્યોતિ : વીર ! ભરી દ્યો રોમેરોમ !
વીરો ! જુઓ રખે હોલાય ! ૩


  1. આ છંદ નવો રચ્યો છે. એનાં પહેલાં ત્રણ ચરણોમાં ૩૧-૩૧ માત્રા છે, અને ૧-૩-૫ એમ એકી માત્રાએ સાધારણ તાલ છે, પણ ૫-૧૩-૨૧-૨૯ માત્રાએ મહાતાલ આવે છે. ૧૬ માત્રાએ યતિ છે. ચોથું ચરણ ચોપાઇનું છે.