પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



९४–पुष्पावती

રમણી વલ્લભીપુરના યશસ્વી રાજા શીલાદિત્યની ધર્મપત્ની હતી. શીલાદિત્ય ઇ. સ. (ગુપ્ત અથવા વલ્લભી)ના છઠ્ઠા સૈકામાં રાજ્ય કરતો હતો. તે વલ્લભીપુરના પહેલા રાજા વિજયસેનનો પુત્ર હતો. શીલાદિત્ય ઘણો વીર અને બુદ્ધિમાન રાજા હતો. તેનો પ્રધાન દેશદ્રોહી અને સ્વામીદ્રોહી નીવડીને મુસલમાનોને તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા બોલાવી લાવ્યો હતો. શીલાદિત્યે મુસલમાનો સાથે ઘણી જ બહાદુરીથી યુદ્ધ કર્યું હતું. એ વખતે શીલાદિત્ય રાજાની રાણી પુષ્પાવતી સગર્ભા હતી. રાણીને અંબા ભવાનીનાં દર્શન કરવાની ઈચ્છા થવાથી તેણે તેને આરાસુર પર્વત ઉપર મોકલી આપી હતી. તે આરાસુર પહોંચી ત્યાર પછી દેવગતિથી શીલાદિત્યનો પરાજય થયો અને વલ્લભીપુરનું સમૃદ્ધિવાન નગર ખેદાનમેદાન થઈ ગયું. પુષ્પાવતી રાણી પાછી આવી ત્યારે તેને પતિના મૃત્યુના સમાચાર મળ્યા. તેના શોકનો પાર રહ્યો નહિ, તરતજ પતિની સાથે સતી થવાનું તેનાથી બની શકે એમ નહોતું; કારણ કે વલ્લભી વંશનું નામ જાળવી રાખનાર બાળક તેના ગર્ભમાં હતું. દેવીએ તેને આશીર્વાદ આપ્યો હતો કે, “તારે પેટે એક પુત્રને જન્મશે.” જન્મતા પહેલાંજ પુત્રને પિતાનું અને રાજ્યનું સુખ ખોવું પડ્યું. આથી તેનું હૃદય ઘણું વ્યાકુળ થવા લાગ્યું; પરંતુ એ સમય શોક કરીને બેસી રહેવાનો નહોતો. ગર્ભનું રક્ષણ કરવાનો તથા સહીસલામત રીતે સુવાવડ થઈ શકે એવું સ્થાન શોધી કાઢવાની તેની ફરજ હતી. એ ત્યાંથી નાસીને પર્વતની ગુફામાં ગઈ. આ વખતે વડનગરની એક નાગર બ્રાહ્મણી કમળાવતીએ તેને ઘણી સારી મદદ આપી હતી. યથાસમયે પુષ્પાવતીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ગુફામાં જન્મ પામ્યો એટલા સારૂ તેનું નામ ગુહો (પ્રાકૃતમાં ગુફાને ગુહા કહે છે) પાડ્યું.

૧૯૩