પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
સંયુક્તા



કૃપાથી તમારી તલવાર શત્રુઓના ટુકડેટુકડા કરી નાખશે. તમારે હાથે યુદ્ધક્ષેત્રમાં શત્રુઓના લોહીની નદી વહેશે, તમારો દેહ હોળીમાં ખેલેલા ફાગની પેઠે શત્રુઓના લોહીથી રંગાઈ જશે. જાઓ ! વહાલા જાઓ ! વિજયના ગૌરવથી દીપ્તિમાન થઈને શત્રુઓના લોહીથી ખરડાયેલા હાથે કુળદેવતાના ચરણમાં પ્રણામ કરજો. જાઓ વહાલા ! શત્રુઓના વિનાશથી સંતુષ્ટ થના૨ કુળદેવતા તમને આશીર્વાદ આપજો !”

યુદ્ધનો દિવસ પણ આવી પહોંચ્યો. યુદ્ધમાં જતી વખતે પત્નીનાં વીરતાભર્યા વાક્યોથી ઉત્તેજિત થઈને પૃથ્વીરાજે સમરસિંહને સાથે લઈને પૂર્ણ પરાક્રમપૂર્વક રણક્ષેત્રમાં પ્રવેશ કર્યો. એ બન્ને વીર રાજાઓના પરાક્રમથી શાહબુદ્દીનની સેનાનો પૂર્ણ પરાજય થયો અને બાદશાહ પોતે કેદ પકડાયો. એ સમયના રજપૂતો ઉદાર હૃદયના હતા. વીરશત્રુનો યોગ્ય આદર કરી જાણતા હતા. કેદી સુલતાન જ્યારે પૃથ્વીરાજના દરબારમાં આવ્યો ત્યારે પૃથ્વીરાજ ઉઠીને સામે ગયો અને તેની બેડીઓ ખોલી નાખીને બોલ્યો: “સુલતાન યુદ્ધમાં તમારો પરાજય થયો છે ખરો, પણ હિંદુઓ વીરત્વની મર્યાદા ભૂલ્યા નથી. વીરતાનો આદર કરતાં તેમને આવડે છે. તમે મહાપરાક્રમી યોદ્ધા છો. તમારી રણકુશળતા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું. હું વિજેતા છું, તમે બંદીવાન છો, પણ તેથી હું તમારી ઈજ્જત ઓછી કરનાર નથી. હિંદુનું હૃદય ક્ષમાથી પરિપૂર્ણ હોય છે, આપ મારી સાથે સંધિ કરીને સુખે સ્વદેશ સિધાવો.”

શાહબુદીન પાસેથી ખંડણી તરીકે ૮૦૦૦ ઘોડા લઈ પૃથ્વીરાજે તેને છોડી મૂક્યો, “આ પ્રસંગે રજપૂતોનું ખરૂં ક્ષાત્રતેજ અને યુદ્ધકૌશલ્ય મુસલમાનોના જાણવામાં આવ્યાં. પરાજયથી શાહબુદ્દીન અત્યંત દુઃખી થઈને ત્વરાથી સિંધુ નદી ઊતરીને ગિઝની ગયો. ત્યાં બહારથી ખુશખુશાલીમાં રહીને પોતે હિંદુસ્તાન માટે પરવા કરતો નથી એવું દેખાડવા લાગ્યો; પરંતુ અંદરખાનેથી તે અત્યંત ધૂંધવાઈ રહ્યો હતો. તેણે એક વખત પોતાના પ્રધાનને કહ્યું કે, “મને સ્વસ્થ નિદ્રા કદી પણ આવતી નથી. ઊંઘતો હોઉં કે જાગતો હોઉં પરંતુ ફિકર અને દુઃખનો ડુંગર મારી આસપાસ થયેલો જોઉં છું.”*[૧]


  1. * જુઓ રા. સર દેસાઈકૃત ‘મુસલમાની રિયાસત.’