પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



આ યુદ્ધને પાણિપતનું પ્રથમ યુદ્ધ કહે છે. એ ઈ. સ. ૧૧૯૧ માં પાણિપતની પાસે કનલિની ઉત્તરે નારાયણ ગામમાં થયું હતું.×[૧] આ યુદ્ધમાં પૃથ્વીરાજનું ગૌરવ વધ્યું પણ તે જયચંદથી સાંખી શકાયું નહિ. પૃથ્વીરાજનો નાશ હરેક રીતે કરવાની તે તજવીજમાં પડ્યો. વૈરાગ્નિ તેના હૃદયમાં ભડભડ સળગવા લાગ્યો. પૃથ્વીરાજનો બદલો લેવાનો તેણે અધમમાં અધમ સંકલ્પ કર્યો. એણે શાહબુદ્દીનની પાસે માણસ મોકલીને ભારતવર્ષ ઉપર પુનઃ આક્રમણ કરવાની યાચના કરી અને ખાતરી આપી કે, “આ વખતે હું ખુલ્લી રીતે ધન, શસ્ત્ર, હાથી, ઘોડા તથા સૈનિકોની મદદ આપીશ.”

જયચંદના આમંત્રણથી ઉત્સાહિત થઈને શાહબુદ્દીને ફરીથી ભારતવર્ષ ઉપર ચઢાઈ કરી. જયચંદ તેની સાથે આવ્યો. પૃથ્વીરાજ અને સંયુક્તાએ જયચંદના દુષ્ટ કૃત્યની વાત સાંભળી, ત્યારે તેમને ઘણોજ કલેશ થયો. સંયુક્તાને તો ઘણી શરમ આવી અને એમ થવા લાગ્યું કે પિતાનું આવું અધમ કૃત્ય જોવા પહેલાં વિધાતા મોત આપે તો સારૂં. પિતાને છેલ્લી વાર સમજાવી દેશદ્રોહનું મહાન પાપ કરતાં રોકવાના ઇરાદાથી સંયુક્તા રાત્રે છાનીમાની જયચંદના તંબુમાં ગઈ. ત્યાં જઈ એણે પિતાને મુસલમાનોના પડખે ન ઊભા રહેવાની ઘણી સલાહ આપી. એણે કહ્યું. “પિતાજી ! આપ માતૃભૂમિને નથી ઓળખતા તેથીજ માતૃભૂમિનાં અંગ છિન્નભિન્ન થવા બેઠાં છે. દિલ્હી અને કનોજ જુદાં છે, પરંતુ તે એક જ માતૃભૂમિને ખોળે વિરાજેલાં છે. ચૌહાણ અને રાઠોડ લડે છે-વઢે છે, પરંતુ એકજ માતૃભૂમિના ધાવણથી ઊછરેલાં એ સંતાન છે. એ સંતાનો ભલે લડેવઢે, કપાઈ મરે, પરંતુ ભાંડુઓનાં લોહી રેડવા, પરધર્મી પારકાઓને નોતરવા


  1. ×કેટલાક માને છે કે આ યુદ્ધ સંયુક્તાહરણની પૂર્વે થયું હતું; અને જે યુદ્ધમાં સંયુક્તાએ પતિને વીરવેશમાં સજાવીને વિદાય કર્યો તે શાહબુદ્દીન સાથેનું બીજું યુદ્ધ હતું. અસ્તુ ! સંયુક્તાની પતિભક્તિ વીરપત્નીને છાજે એવા ગુણની સાક્ષી તો એ પ્રસંગમાંથી મળી જ આવે છે, ઈમ્પિરયલ ગેઝેટિયરમાં લખ્યું છે કે, પૃથ્વીરાજનું સૌથી પહેલું મોટું કામ સંયુક્તાહરણજ હતું. એ મત ખરો હોય તો પાણિપતના યુદ્ધ સમયે સંયુક્તાનું પતિને વિદાય કરવા હાજર રહેવું સંભવિતજ ગણાય. (રા. રમણલાલ દેસાઈકૃત ‘સંયુક્તા’ નાટક.)