પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
સંયુક્તા



એ પાપ જોયું જતું જ નથી. પિતાજી ! પાંડવકૌરવ લડ્યા પણ તેમણે પરધર્મીઓના હાથમાં યુદ્ધનું સુકાન સોંપ્યું ન હતું. આપે આ જ યુદ્ધની બધી બાજી મ્લેચ્છોને સોંપી દીધી છે. એ તમારા સેવક થઈ તમારી પાસે નથી આવતા, પરંતુ તમે દાસભાવથી તેમને આવકાર આપતા તેમની સામે જાઓ છો. કદાચ એક દિલ્હી આપને મળશે, પરંતુ એ અને એવી સેંકડો દિલ્હીઓ મુસલમાનોને હસ્તક જશે એનો કાંઈ વિચાર કર્યો ? દિલ્હી લેતાં તમે દિલ્હી અપાવનારના દાસ થઇ રહેશો એ ભૂલશો નહિ; અને દાસ થયા એટલે દિલ્હી ગયું, કનોજ ગયું અને ભારતભૂમિ–માતૃભૂમિ પણ ગઈ માનજો.”

જયચંદે કહ્યું “પછી હું મારા બાહુબળથી મ્લેચ્છોને કાઢી મૂકીશ.”

સંયુક્તાએ કહ્યું: “પછી એ બાહુમાં બળ નથી રહેવાનું ! આજ પણ આપના બાહુનું બળ મને ખૂટ્યું દેખાય છે, નહિ તો એકલાજ લડી લેવાને બદલે પરદેશીઓને કેમ આમંત્રણ આપો ? જે બાહુ બીજાનો આધાર માગે એમાં આપને બળ રહેલું ક્યાં દેખાય છે ? જયાં સહાય માગવાની વૃત્તિ થઈ ત્યાં જાણવું કે બળ ઓસરવા માંડ્યાં અને પરાધીનતા પેસવા માંડી.”

હાય ! ભારતના દુર્ભાગ્યને લીધે જયચંદના કઠોર હૃદય ઉપર પુત્રીની આવી સચોટ દલીલોની પણ કાંઈ અસર થઈ નહિ. તેણે પૃથ્વીરાજને માટે અનેક અનુચિત શબ્દોનો પ્રયોગ કર્યો અને અપમાનસહિત સંયુક્તાને તંબૂમાંથી કાઢી મૂકી.

સવારે તિરૌરીના મેદાનમાં રણશિંગાં લાગવા લાગ્યાં. રાજદુહિતા અને રાજમહિષી સંયુક્તા આ યુદ્ધની ભયંકરતાનું ખરૂં માપ કાઢી શકી હતી. જે યુદ્ધમાં અનેક કુલાંગાર ભારતવાસીઓ શત્રુના પક્ષમાં સામેલ થયા હતા, તે યુદ્ધમાં વિજય મેળવવો એ સહેલું નહોતું, એમ એ સમજી શકતી હતી. એનું નારીહૃદય એમ પણ શંકા કરવા લાગ્યું હતું કે, જયચંદ જેવા વીર પુરુષને આવી વિપરીત મતિ સૂઝી છે તો દેશનો વિનાશકાળ પણ જરૂર નિકટ છે. આવી શંકાઓથી પ્રેરાઈ સંયુક્તા નવગ્રહના પૂજન અને શાંતિ સ્વસ્ત્યયન વગેરે ધર્મકાર્યમાં રાતદિન