પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જુવાન ભાઈબહેન આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યાં હતાં, એવામાં એકાએક એક સ્વર તેમને કાને પડ્યો: “અય ! કાફિર ! જબાન સમાલકે બોલ” આ ઉદ્‌ગાર સામી બાજુની ઝાડીમાંથી આવ્યા. થોડીકજ વારમાં બે મોટા પથ્થર ધડાક કરતાં લક્ષ્મણસિંહના ઘોડાની ગરદન ઉપર આવી પડ્યા. એ જોઈને બન્ને જણ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં, પણ તરતજ તેઓ પરીસ્થિતિ સમજી ગયાં. પઠાણને જોઈને જ તાજકુંવર બોલી ઊઠી: “ભાઈ ! જોઈએ કે કોની તલવાર વધારે પઠાણોનાં મસ્તક તોડે છે.”

“હા જોઈ લેજે.” એટલું કહીને લક્ષ્મણસિંહ ગરજી ઊઠ્યો “હે તુર્ક ! રજપૂતોને કાફિર કહેનાર તું કોણ છે ? મોં સંભાળીને બોલજે. હજુ સુધી રજપૂત સાથે કામ પડ્યું હોય એમ દીસતું નથી.” એમ કહીને તેણે પોતાનો ઘોડો તેના અંગ ઉપર ધસાવ્યો. તાજકુંવર અને લક્ષ્મણસિંહ હથિયાર સજીને તૈયાર થઈ ગયાં, એટલામાં ઝાડીમાંથી દસબાર પઠાણ લાઠી લઈને તેમને મારવા ધસી આવ્યા; પણ આ વીર ભાઈબહેન આગળ તેમનું કાંઈ વળ્યું નહિ. તાજકુંવર અને લક્ષ્મણસિંહના તીક્ષ્ણ ભાલાના પહેલેજ સપાટે ચારપાંચ પઠાણો નીચે પડ્યા. લક્ષ્મણસિંહે તાજકુંવરને હર્ષભેર કહ્યું: “જોયું બહેન ! આખરે તારીજ સંખ્યા ઓછી રહી.” અભિમાની બાલિકાને એ શબ્દોથી ઘણું લાગી આવ્યું. તેણે તરત જ શરસંધાન કરીને બે પઠાણોને ઠાર કર્યા. બાકીના પઠાણો જીવ લઈને નાસી ગયા. આ પ્રમાણે બન્નેને મનમાન્યો શિકાર મળ્યો, એટલે ભાઈબહેન પ્રસન્ન થયાં અને ઘેર જઈને હર્ષભેર પિતાજીને બધા સમાચાર કહ્યા. સજ્જનસિંહે બાળકોની વીરતાના સમાચાર જાણી ઘણો હર્ષ પ્રગટ કર્યો.

તેમનો એ દિવસ તો આનંદમાં વ્યતીત થઈ ગયો, પણ બધા દિવસ કાંઈ એકસરખા જતા નથી. બીજો દિવસ ઊગતા પહેલાં કિસોરા ઉપર નવું સંકટ આવી પડવાનાં ચિહ્‌ન જણાવા લાગ્યાં. ઉપર અમે જણાવ્યું છે કે લક્ષ્મણસિંહ અને તાજકુંવરની સાથે યુદ્ધ કરનારા પઠાણેમાંના બે જીવ લઈને નાસી ગયા હતા. તેમણે જઈને પોતાની દુર્દશાનો વૃત્તાંત પોતાના બાદશાહને કહ્યો. બાદશાહને હવે સજ્જનસિંહને સતાવવાનું બહાનું મળ્યું. કિસોરા નગરના અને કિસોરા નગરની શોભારૂપ અત્યંત સૌંદર્યવતી તાજકુંવરના