પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
૩૦૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



છતાં પણ એવી વીરતાથી લડ્યા કે અનેક ચંદેલ યોદ્ધાઓનો તેમણે જોતજોતામાં વધ કરી નાખ્યો. એ સમાચાર પણ પરમાર રાજાની પાસે પહોંચ્યા. તેથી તેને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે એ ઘાયલ સૈનિકોને પકડી લાવવાનો ઉદલને હુકમ આપ્યો. ઉદલે કહ્યું: “મહારાજ, ઘાયલો ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવો એ વીર પુરુષોનો ધર્મ નથી.” પરંતુ રાજા પરમારના બે મંત્રીઓ ઉદલ ઉપર અંદરખાનેથી ઘણો દ્વેષ રાખતા હતા. તેમણે તેનું કાસળ કાઢવાનો આ લાગ સાધીને કહ્યું કે, “મહારાજ, ઉદલ પૃથ્વીરાજથી બીએ છે, માટે આવું બહાનું કાઢે છે.” કાચા કાનના રાજા પરમારે પોતાની આજ્ઞા પાળવા માટે ઉદલને વિશેષ આગ્રહ કર્યો; ઉદલે લાચાર થઈને ઘાયલ થયેલા શત્રુઓ ઉપર આક્રમણ કર્યું. એ વખતે ચૌહાણ સૈનિકોની સંખ્યા વીશની હતી, એમ છતાં પણ તેમણે ઉદલ જેવા વીરયોદ્ધા સાથે ઘણી સારી પેઠે ટક્કર ઝીલી. એ જાણતા હતા કે, અમારાં શરીર પહેલેથીજ ઘાયલ થયેલાં છે અને બળવાન શત્રુ સાથે યુદ્ધ કરવાનું છે, એમ છતાં પણ તેમણે શત્રુને શરણે ગયા કરતાં યુદ્ધક્ષેત્રમાં મરવું વધારે યોગ્ય ધાર્યું.

એમનામાં કનક ચૌહાણ નામનો એક મોટો વીર યોદ્ધો હતો. એ બધાનો સરદાર બનીને ઘણી હિંમતથી યુદ્ધ કરવા સારૂ ઉદલની સામે આવ્યો. એકે એકે બધા ચૌહાણ યોદ્ધાઓએ યુદ્ધમાં સંપૂર્ણ વીરતા પ્રગટ કરી અને વીરગતિને પ્રાપ્ત થયા. એ નાનું સરખું યુદ્ધજ આલ્હા અને ઉદલના વંશના નાશનું કારણ થયું. પૃથ્વીરાજે જ્યારે પોતાના ઘાયલ થયેલા યોદ્ધાઓના સંહારના સમાચાર સાંભળ્યા, ત્યારે તેના ક્રોધનો પાર રહ્યો નહિ. ઘણી મોટી સેના સાથે મહોબા ઉપર ચડાઈ કરવાને તેણે પ્રસ્થાન કર્યું. માર્ગમાં ચંદેલા રજપૂતાનાં એકેએક ગામને બાળતા બાળતા પૃથ્વીરાજના સૈનિકો મહોબા તરફ ચાલ્યા. એ ચડાઈ વખતે પરાક્રમી યોદ્ધા આલ્હા અને ઉદલ કનોજમાં હતા. એ મહોબા છોડીને ચાલ્યા ગયા હતા. તેમનું મહોબા છોડીને ચાલ્યા જવાનું કારણ એ હતું કે, એક વાર રાજા પરમાર કાલિંજર ગયો હતો. એ કાલિંંજર દેવળદેવીના સ્વામી જસરાજને મહોબાના રાજા તરફથી તેની સેવાઓના બદલામાં જાગીર તરીકે મળ્યું હતું. મહોબાના રાજાને આલ્હાની એક ઘોડી ઘણી પસંદ પડી ગઈ, તેથી એ ઘોડી તેની પાસેથી લેવાની તેણે ઈચ્છા કરી. આલ્હાએ ઘોડી