પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
૩૪૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કાંઈક પ્રસન્ન અને કાંઈક દુઃખી થઈ. કૃષ્ણરાવને મળીને એ એકાંતમાં કહેવા લાગી: “હજુ સુધી મારૂં લગ્ન આપની સાથે થયું નથી, તો પણ સગપણ થઈ ચૂક્યું છે અને મારૂં હૃદય મેં આપને સમર્પણ કરી દીધું છે, એટલે આપ મારા પતિ છો અને આપનું સુખદુઃખ તે મારૂં સુખદુઃખ છે. શત્રુસેનામાં જવું એ યમરાજની પાસે જવા બરાબર છે. તમે માથું હાથમાં લઈને સ્વામીનું કલ્યાણ સાધવા જાઓ છે, તેથી મને ઘણો સંતોષ થયો છે. સાચા ક્ષત્રિયો અને વીર મરાઠાઓનો એજ ધર્મ છે. હું આપને આપનું કર્તવ્ય કરતાં રોકતી નથી, પણ મારી એક પ્રાર્થના છે કે, આપ મને પણ આપની સાથે લઈ ચાલો. હું પુરુષનો વેષ બદલીને આવીશ એટલે મને કોઈ ઓળખી શકશે નહિ.”

કૃષ્ણરાવે કહ્યું: “પ્રિયે ! તું કહે છે એ તો ઠીક છે, પણ સ્ત્રીઓ ગમેતેટલો પુરુષનો પોષાક પહેરે તો પણ એ મરદ બની શકતી નથી. તું મારી સાથે આવીશ તો મારો જીવ તારામાં જ રહેશે અને મારાથી મારૂં કામ પૂરેપૂરૂં થઈ શકશે નહિ.”

વીરમતી બોલી: “મારાથી બનશે તેટલી હું આપને મદદ આપીશ; હું આપને કોઈ પણ જાતની તસ્દી આપીશ નહિ. આપ કાળનાં મુખમાં જાઓ અને હું સુખે બેસી રહું, એ વાત મારાથી કદી બનવાની નથી.”

એ સાંભળી કૃષ્ણરાવે વીરમતીને વીનવી: “સ્ત્રીઓને યુદ્ધમાં સાથે લઈ જવી એ ઠીક નથી. લોકો મારી નિંદા કરશે.”

વીરમતીએ વીરાંગનાને છાજે તે રીતે કહ્યું: “સ્વામીનાથ ? મને લઈ જવાથી આપની નિંદા થશે, તો આપને એકલા મોકલવા માટે વીરાંગનાઓ મારી પણ નિંદાજ કરશે; પણ હું બીજી વાતનો આપની પાસે ખુલાસો ચાહું છું. મેં સાંભળ્યું છે કે, આ૫ કપટથી શત્રુસેનાનો ભેદ લેવા જાઓ છો. મારા વિચાર પ્રમાણે એવું છળકપટ કરવું એ ઠીક નથી.”

કૃષ્ણરાવે વાતને ફેરવી નાખતાં કહ્યું: “હું તો શત્રુઓની ફોજને જાતે જોવાજ જઉં છું, કે જેથી લડવામાં સગવડ પડે; કારણકે હજારો મનુષ્યોને પકડીને તેમના પ્રાણ લેવા કરતાં તથા રક્તની નદી વહેવરાવવા કરતાં તે શત્રુને અચાનક ઘેરી લઈને છાનામાના પકડી લેવા એ સારૂં કામ છે.”