પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



નાખીને આવ્યો છું. એ બિચારો તો એમજ જાણે છે કે હું શત્રુસેનાનો ગુપ્ત ભેદ જાણવા આવ્યો છું, પણ એને હજુયે ખબર નથી કે બંદા થોડી વાર પછી એનીજ ગાદીએ બેસશે.”

“બેશક ! તમે જ્યારે અમારા બાદશાહ સલામતને આ પ્રમાણે મદદ કરશો ત્યારે એ તમને જરૂર આ ઈલાકાના સૂબા બનાવશે. તમે ઘણું હિંમત અને અકલમંદીનું કામ કર્યું છે.”

આ શબ્દો સાંભળતાવારજ વીરમતી ચોંકી ઊઠી. દશ હજા૨ વીંછીઓએ એક સાથે ડંખ માર્યો હોય એવી સખ્ત વેદના તેને થવા લાગી. નખથી માથા સુધી એનું શરીર ચિંતાગ્નિથી સળગવા લાગ્યું. તેના મનમાં ઉપરાઉપરી અનેક વિચારો આવવા લાગ્યા. થોડી વારમાં જ તેણે કર્તવ્યનો નિર્ણય કર્યો. કમરમાંથી એક ચળકતી તલવાર કાઢીને એ પોતાના ભાવિ પતિ કૃષ્ણરાવની તરફ દોડી અને ક્રોધ અને તિરસ્કાર દર્શાવીને બોલી: “દુષ્ટ ! નીચ અધમ ! પાપિ ! વિશ્વાસઘાતિ ! રાજદ્રોહિ ! કુલાંગર ! ચાંડાલ ! તારા જેવા દેશદ્રોહીઓએજ ભારતવર્ષને પાયમાલ કરી દીધું છે.”

વીરમતીના કોમળ કંઠમાંથી આ કઠોર શબ્દો નીકળ્યા; શબ્દોની સાથે સાથે જ તેના સુકોમળ હાથે એવી સરસ રીતે તલવાર ચલાવી કે કૃષ્ણરાવ પોતાની તલવાર ઉપર હાથ મૂકે તે પહેલાંજ વીરમતીની તલવાર તેની છાતીમાં ઊંડી પેસી ગઈ. કૃષ્ણરાવ તરતજ ઘોડા ઉપરથી નીચે ઢળી પડ્યો. તેણે ઊંચે જોયું તો વીરમતીનું ઉગ્ર સ્વરૂપ તેના દીઠામાં આવ્યું. એ મંદ સ્વરે બોલી ઊઠ્યો : “કોણ વીરમતી ? હાય મારી…” તેને આગળ બોલતો અટકાવીને વીરમતી બોલી: “બસ ! બહુ થયું. ચૂપ રહે દુષ્ટ ! વિશ્વાસઘાતિ ! ખબરદાર, મોંમાંથી એક પણ અક્ષર કાઢ્યો છે તો ! દેશને હાનિ પહોંચાડનાર તારા સરખા નરાધમની તો આજ દશા થવી જોઈએ, જે મોંએ તે વિશ્વાસઘાતી વચનો કહ્યાં છે, તે અપવિત્ર મુખમાંથી મારૂં નામ ઉચ્ચારીને મને અપવિત્ર ન કરીશ. તું દેશદ્રોહી છે, સ્વજનદ્રોહી છે, સ્વામીદ્રોહી છે, સ્વાર્થી છે અને મહાપાપી છે. મોંએ મીઠું બોલીને અંદરખાનેથી દેશની સ્વાધીનતાનો નાશ કરવા ઈચ્છના૨ દગાબાજ પુરુષને હું પતિ બનાવવા નથી માગતી.”

કૃષ્ણરાવને વીરમતીની તલવારનો જે ઘા લાગ્યો હતો તે