પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
ગોરાની પત્ની



કેવી વીરતા પ્રગટ કરીને દેહ ત્યજ્યો. બેટા ! મને એ વૃત્તાંત પૂરેપૂરો કહી સંભળાવ, એ કથા સાંભળ્યાથીજ મને શાંતિ વળશે.” બાદલે ઉત્તર આપ્યો “કાકીજી ! કાકાના પરાક્રમનું વર્ણન મારાથી નથી થઈ શકવાનું. એમની અદ્ભુત વીરતા જોઈને શત્રુનું લશ્કર પણ છક થઈ જતું હતું અને તેઓ પણ એમની પ્રશંસા કરતા હતા. એમણે તો પોતાની સામે આવનાર એક પણ શત્રુને જીવતો જવા દીધો નથી.” એ સમાચાર સાંભળીને વીરાંગના ગોરા–પત્ની ઘણીજ પ્રસન્ન થઈ અને બોલી: “બસ, મારે આટલુંજ સાંભળવું હતું. હવે સ્વામીની પાસે જતાં મને જેટલી વાર થશે તેટલા સ્વામી અપ્રસન્ન થશે.” એટલું કહીને તેણે પતિના શબના અગ્નિસંસ્કાર સારૂ ચિતા તૈયાર કરાવી અને પતિના શબને ખોળામાં લઈને ચિતામાં પ્રવેશ કરીને સતી થઈ ગઈ.

ગોરાની સ્ત્રીએ ભત્રીજાને મુખેથી પતિની વીરતા અને પરાક્રમનું વર્ણન સાંભળ્યું ત્યારે એને પતિના મૃત્યુનો જરા પણ શોક થયો નહોતો; બલકે આનંદોલ્લાસથી તેનું મુખ પ્રફુલ્લિત થયું હતું અને શાંતિથી પતિની સહગામિની થઈ હતી. એ પ્રસંગનું સ્મરણ કરીને એક ઇતિહાસવેત્તા લખે છે કે, “સતી શિરોમણી વીરાંગનાઓ ! તમારી જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી થોડી છે, આવાં દૃષ્ટાન્તો ઉપરથી જણાય છે કે, એ વખતની વીર ક્ષત્રિયાણીઓને પોતાના પ્રાણાધાર પતિઓ સાથે કેટલો બધો પ્રેમ હતો. યુનાન દેશની સ્પાર્ટન જાતિની સ્ત્રીઓ તથા કાર્થેજ દેશની ફિનિશિયન સ્ત્રીઓ પણ એ આર્ય વીરાંગનાઓની આગળ કશી ગણતરીમાં નથી, એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.”

સ્વામીભક્ત ગોરાને અને પતિપરાયણા તેની પત્નીને ધન્ય છે !