પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



९९–दाहिर राजानी राणी


હિન્દુ ગૌરવ સિંધુરાજ દાહિર જે સમયે સિંધુદેશનું રાજ્ય સિંહાસન સુશોભિત કરી રહ્યા હતા, તે સમયની આ કથા છે. એજ સમયમાં ભારતવર્ષને જીતવાને મુસલમાનોએ પહેલવહેલો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પરદેશીઓને હિંદમાં પ્રવેશ કરવાનો મુખ્ય રસ્તો સિંધમાં થઈને હતો.

ભારતવર્ષની પશ્ચિમ દિશામાં અરબસ્તાનમાં આરબ જાતિના લોકોમાં મુસલમાન ધર્મનો પહેલવહેલો ઉદય થયો. નવા ધર્મબળના ઝનૂનથી ઉત્સાહિત બનેલી એ વીર આરબજાતિએ ઘણા થોડા સમયમાં એશિયાખંડના પશ્ચિમ ભાગમાં અને આફ્રિકાખંડના ઉત્તર ભાગમાં પોતાનો વિજયવાવટો ફરકાવીને એક વિશાળ રાજ્ય સ્થાપના કરી. આ વિશાળ રાજ્યની પહેલી રાજધાની બગદાદ શહેરમાં સ્થાપવામાં આવી અને ત્યાં બેસીને આરબ રાજાઓ રાજ્ય કરવા લાગ્યા. એ રાજાઓ ‘ખલીફા’ ના નામથી ઓળખાય છે. એ ખલીફાઓના રાજ્યકાળમાં ઈ. સ. ની આઠમી સદીમાં, મહમ્મદબીન કાસીમ નામના એક સેનાપતિએ સિંધ ઉપર ચઢાઈ કરી. દેવળ બંદર અને બીજા કેટલાંક નગર ઉપર પોતાનો કબજો કરીને, કાસીમ સિંધુરાજ દાહિરની રાજધાની આલોર શહેર આગળ આવી પહોંચ્યો. રાજા દાહિર સૈન્ય લઈને કાસીમની સામે થયો.

એ સમયમાં ભારતવર્ષના રાજાઓ હાથી ઉપર બેસીને યુદ્ધ કરતા હતા. એમાં સગવડ તેમજ અવગડ બન્ને વાનાં હતાં. હાથીને શૂરમાં ચડાવીને શત્રુના સૈન્યમાં દોડાવવાથી શત્રુઓ ભયભીત થઈને નાસભાગ કરતા, તેમજ કેટલીક વાર એમ પણ થતું કે હાથી શત્રુના લશ્કરમાં જવાને બદલે પાછળ નાસતો, તો પછી એને રોકવાની કે પાછો વાળવાની કોઈની હિંમત ચાલતી નહિ. પોતાના

૨૦૩