પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૬
૪૦૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



“હાર સડે પિવ આનિયો.”

ઝીમાએ ગુસ્સે થઈને કહ્યું: "ઠાકોર સાહેબ ! આપને તો લાલાંદેજીએ વેચી દીધા છે અને અમે એક હારમાં ખરીદી લીધા છે. અમારો હાર પણ ગયો અને તમે પણ જાઓ તો પછી અમે શું કમાયાં ?" આ સાંભળીને અચળદાસજીએ ક્રોધના આવેશમાં કહ્યુંઃ "શું મને લાલાંદે મેવાડીએ વેચી દીધો છે?" ઝીમાએ કહ્યું "હા જી." એમ કહી એણે એ સંબંધી એક સરસ કવિતા કહી. અને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો; એ સાંભળીને રાણાજીએ કહ્યું: "વાહ ! લાલાંદેએ હારને મારા કરતાં પણ વધારે પ્યારો ગણ્યો ? ઉમા ! ચાલો ઉઠો. તમે કહો તો હવે, હું લાલાંના મહેલમાં જવાના પણ સોગન ખાઉં." ઉમાદેએ કહ્યું: "ના, એમ કરવાથી તો આપના વચનનો ભંગ થાય. આ૫ વચન આપીને આવ્યા છો, તો હાલ તો લાલાંદેજીની પાસે પધારો, પણ મારા ઉપર આજ આપની આટલી બધી કૃપા થઈ છે, તો વચન આપતા જાઓ કે, જ્યારે મારી સખી બોલાવવા આવે ત્યારે તરત પધારજો." વચન આપીને રાણાજી લાલાંદેજીને મહેલ પધાર્યા.

આ વાતને સાતઆઠ દિવસ વીતી ગયા. એક દિવસ લાલાંદે અને રાણાજી અડધી રાતે ચોપાટ રમી રહ્યાં હતાં, એટલામાં ઉમાદેની સખી ત્યાં પહોંચી અને કહેવા લાગીઃ "આપને સાંખલી ( ઉમાદેજી ) બોલાવે છે." અચળદાસજી ઊભા થવા લાગ્યા, તો રાણી લાલાંદેએ તેમનું ધોતિયું પકડ્યું અને કહ્યું: "ક્યાં જાઓ છો ? બાજી તો પૂરી કરો." અચળદાસજીએ કહ્યું: "હવે બાજી શાની પૂરી કરે? તું તો મને સાંખલજીને વેચી ચૂકી છું." એમ કહીને પલ્લો છોડાવીને સાંખલીજી ઉમાદેના મહેલમાં પહોંચ્યા. લાલાંદેએ રોશમાં આવીને કહ્યું કે, "હવે હું તમારી સાથે વાસ કરું તો મને રાણાજીના સોગંદ છે." આ સમાચાર સાંભળીને ઉમાદે તથા ઝીમા ચારણી ઘણાં પ્રસન્ન થયાં. રાવજી હવે ઉમાદેની સાથે જ રહેવા લાગ્યા.

આ પ્રમાણે ઝીમા ચારણીએ પોતાની યુક્તિથી તથા સુંદર કવિતાથી ઉમાદે સાંખલીનું દુઃખ દૂર કર્યું. આ બનાવથી એણે એવી કીર્તિ મેળવી કે, હજુ સુધી રાજસ્થાનના ઇતિહાસમાં તેનું નામ અચળ રહ્યું છે.

ઝીમા ચારણી સંવત ૧૪૬૦ ની લગભગમાં થઈ ગઈ છે.