પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૯
ગુન્નોરની રાણી



ખાનસાહેબ તો પીગળી ગયા. તેના આનંદનો પાર રહ્યો નહિ. રાણીના અપૂર્વ સૌંદર્યની કીર્તિ તો એણે પહેલેથી જ સાંભળી હતી.

હવે તો ગુન્નોરને સર કરવા કરતાં ગુન્નોરની અપૂર્વ સૌંદર્યવતી રાણીને પ્રાપ્ત કરવાની લાલસા તેના મનમાં વધારે પ્રબળ થઈ પડી. જરા પણ અનાકાની કર્યા વગર, એણે રાણીની વિનતિ માન્ય રાખીને તેની સાથે કહેવરાવ્યું કે, “યુદ્ધમાં તમારી અસાધારણ બહાદુરી જોઈને હું ઘણોજ ખુશ થયો છું. આપે આજ સુધી મહારાણીનું પદ ભોગવ્યું છે અને જ્યાં સુધી મારા દેહમાં જીવ છે ત્યાં સુધી તમે એજ પદ ઉપર બિરાજેલાં રહેશો. આ નમ્ર સેવક આપના તાબેદાર તરીકે રહીને આપની આજ્ઞા મુજબ રાજ્યનો વહિવટ કરશે.” ખાનસાહેબનો આ વિવેકપૂર્ણ સંદેશો સાંભળીનેજ ગુન્નોરની રાણી તેનો આંતરિક ઉદ્દેશ શો છે, તે કળી શકી. એ ઘણા ઊંડા વિચારમાં પડી ગઈ. એની વિનતિ સ્વીકારે તો પઠાણને હાથે પોતાનું પાતિવ્રત્ય નષ્ટ થવાનો સંભવ હતો અને ન સ્વીકારે તો પોતાનો તથા પોતાના સ્વામીભક્ત સૈનિકોનો અવશ્ય સંહાર થવાનો પ્રસંગ હતો.

આ બન્ને આપત્તિઓમાંથી મુક્ત થવાને માટે તેણે ઘણો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી. પઠાણ સરદારની વિનતિના ઉત્તરમાં તેણે કહેવરાવ્યું કે, “હું પણ રણસંગ્રામમાં ખાનસાહેબનું અતુલ પરાક્રમ જોઈને અતિ પ્રસન્ન થઈ ગઈ છું. એવા બહાદુર સરદારની પટરાણી થવાની મને ઈચ્છા થાય છે. અમને રજપૂત સ્ત્રીઓને શૌર્ય અને સાહસ એ બે ગુણ ઘણા પ્રસન્ન હોય છે. ખાનસાહેબ મારે માટે યોગ્ય પુરુષ છે. મારી વિનતિનો એ સ્વીકાર કરશે, તો એમણે મારૂં માન રાખ્યું હું માનીશ. મારી ઈચ્છા છે કે, અમારા કુલાચાર પ્રમાણે અમારા ગઢની અગાસી ઉપર ખાનસાહેબ સાથે મારા લગ્નની વિધિ થાય. મારા દરજ્જા પ્રમાણે સુંદર વસ્ત્રાલંકારમાં સજ્જ થવાને મને બે કલાક લાગશે.”

ખાનસાહેબે રાણીની બધી વિનતિનો સાદર સ્વીકાર કર્યો, આજ તેના હર્ષનો કાંઈ પાર નહોતો. આજ એ પોતાના જીવનને ધન્ય થયું સમજતો હતો; થોડીકજ વાર પછી ગુન્નોરની રાણીએ પોતાના ભાવી પતિને માટે એક કિંમતી કિનખાબનો પોશાક તથા અમૂલ્ય રત્નોનો કંઠો પ્રેમના ઉપહાર તરીકે મોકલી આપ્યો અને બે કલાક પછી એ પોશાક સાથે મહેલમાં પધારવાને કહેવરાવ્યું