પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કેળવણીનું કામ પણ તેણે પોતાના હાથમાં લીધુ. સિદ્ધરાજને તે કોઈ દિવસ ખરાબ છોકરાઓ કે ખુશામતિયા નોકરો સાથે ફરવા દીધો નહિ. સિદ્ધરાજ તેનો એક માત્ર પુત્ર હતો, તેના જીવનનો એક માત્ર આધાર હતો, તેની આંખોનો મણિ હતો; છતાં પણ રાણી મયણલ્લદેવીએ તેને કોઈ દિવસ ખોટાં લાડ લડાવ્યાં નહોતાં. બાલ્યાવસ્થાથી જ સિદ્ધરાજના કોમળ હૃદયમાં સારા સંસ્કાર પાડવાનો તેણે યત્ન કર્યો હતો. સિદ્ધરાજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને ઘોડે બેસતાં, શસ્ત્ર ચલાવતાં, કુસ્તી કરતાં તથા ક્ષત્રિયને છાજે એવા અનેક કસરતના પ્રયોગો કરતાં શીખવવા માંડ્યું. સિદ્ધરાજને બળવાન અને પરાક્રમી બનાવવામાં તેણે કોઈ પણ પ્રયત્નની ખામી રાખી નહોતી. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ તથા પોતાના પૂર્વજોના અસાધારણ પરાક્રમો અને બુદ્ધિકૌશલ્યની વાત એ દરરોજ પોતાની મીઠી વાણીમાં સિદ્ધરાજને કહ્યા કરતી. વિદુરનીતિ, શુક્રનીતિ આદિ ગ્રંથો દ્વારા તેણે રાજનીતિના સિદ્ધાંતો સિદ્ધરાજના મનમાં ઠસાવ્યા હતા; તથા રાજાના રાજ્યની સહીસલામતી અને મજબૂતી તેની ન્યાયપરાયણતા અને લોકપ્રિયતા ઉપર આધાર રાખે છે, એ સારી પેઠે હૃદયમાં ઠસાવી દીધું હતું. આર્યધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ તેણે સિદ્ધરાજને સારી પેઠે કરાવ્યો હતો. આ બધાનું પરિણામ એ આવ્યું કે પુખ્ત ઉંમરનો થયા પછી સિદ્ધરાજ પાટણની ગાદીએ બેઠો ત્યારે તેના સુપ્રબંધને લીધે ચારે તરફ તેની પ્રશંસા થવા લાગી. આજદિન સુધી સિદ્ધરાજ જયસિંહનું નામ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયલું છે.

સિદ્ધરાજ પંદર વર્ષનો થયો ત્યારે રાણી મયણલ્લદેવી તેને લઈને રાજ્યમાં ફરવા નીકળી હતી અને કુમારને રાજ્યની ખરી હાલતથી વાકેફ કર્યો હતો. એ પ્રવાસમાં પ્રજાનાં દુઃખ તેણે જાતે સાંભળ્યાં હતાં તથા તેમને વાજબી ઈન્સાફ આપ્યો હતો.

રસ્તામાં જ્યાં કંઈ પાણીની તંગી જોતી ત્યાં તળાવ, કૂવા, વાવ વગેરે જળાશય બંધાવી આપતી. રાણી મયણલ્લદેવીએ ઘણાં પરોપકારનાં કાર્ય કર્યાં છે. વિરમગામ આગળનું મીનલસર અથવા માનસર તળાવ અને ધોળકા પાસેનું મલાવ તળાવ એ બે જળાશય રાણી મયણલ્લદેવીએ બંધાવેલાં છે.

રાણી મયણલ્લદેવી જેટલી કુશળ હતી તેટલીજ ન્યાયપરાયણ