હતી. તેની ન્યાયપરાયણતાની એક દંતકથા ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે. રાણી મયણલ્લદેવી ધોળકાનું તળાવ બંધાવી રહી હતી તે વખતે એક ગણિકાનું મકાન વચ્ચે નડતું હતું. એ મકાનને લીધે તળાવની શોભામાં ઘટાડો થાય એમ હતું. તેણે એ મકાન આપી દેવાને વેશ્યાને ઘણુંએ સમજાવી, મનમાન્યું દ્રવ્ય આપવાની લાલચ બતાવી; પણ તેણે સાફ ના કહી. ગણિકાએ જણાવ્યું કે, “રાણીસાહેબનું નામ તો આ મોટું તળાવ બંધાવ્યાથી અમર રહેશે, પણ મારૂં નામ આ ઘર ન આપવાને લીધે પ્રસિદ્ધ થશે.” બીજો કોઈ રાજા હોત તો જોરજુલમથી એ વેશ્યાનું મકાન તોડાવી પાડત; પણ ન્યાયી મયણલ્લદેવીએ એવો કાંઈ પણ અન્યાય કર્યો નહિ. તેણે વેશ્યાનું ઘર સહીસલામત રહેવા દીધું. તેનાં આ કૃત્યને લીધે તેની સુખ્યાતિ દેશદેશાંતરમાં પ્રસરી ગઈ. એ વખતમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી કે, “જો તમારે ન્યાય જોવો હોય તો જઈને મલાવ જુઓ.”
રાણી મયણલ્લદેવીએ ઘણી યાત્રા કરી અને યાત્રાળુઓનાં અનેક સંકટો દૂર કર્યાં હતાં.
રામેશ્વર મહાદેવની પૂજા કરીને મયણલ્લદેવીએ એક હાથી, હાથમાં ત્રાજવાં ઝાલેલા એવા તુલાપુરુષની એક સોનાની મૂર્તિ અને બીજી મોટી મોટી ભેટો કરી હતી.
આ પ્રમાણે અનેક સત્કાર્યોથી પ્રજાનું મન રંજન કરીને, સિદ્ધરાજને ગાદીએ બેસાડ્યા પછી, મયણલ્લદેવી આ સંસારમાંથી સ્વર્ગલોકમાં સિધાવી. ધન્ય છે એવી રાજમાતાને ! *[૧]
- ↑ * આ તથા આ સંગ્રહમાં ગુજરાતના ઇતિહાસને લગતાં બીજાં કેટલાંક ચરિત્રો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કરેલી સાક્ષર શ્રી. રણછોડભાઈ ઉદયરામકૃત “રાસમાળા” ના ભાષાન્તરને આધારે લખવામાં આવ્યાં છે. તેને માટે એ પુસ્તકના લેખક અને પ્રકાશક મંડળનો અત્યંત ઉપકાર માનવામાં આવે છે. —પ્રયોજક