પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१२१–राणकदेवी

રમણી સિંધ દેશના રાજા શેરખાવરની કન્યા હતી. તેનો જન્મ મૂલ નક્ષત્રમાં થયો હતો. તેના જન્મ સમયે રાજજોષીએ તેના જન્માક્ષર બનાવીને કહ્યું હતું કે, “બાલિકાના ગ્રહ એવા છે કે એનું મોં જોયાથી એનો પિતા આંધળો થઈ જશે.” એ સમાચાર સાંભળીને તેના પિતાએ નવી જન્મેલી બાલિકાને પોતાના નોકરને હાથે એક વનમાં મોકલાવી દીધી. રાજાનો વિચાર તો એવો હતો કે એમ કર્યાથી કોઈ જંગલી પશુ આવીને તેને ખાઈ જશે અને બધી બલા ટળી જશે; પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? પરમાત્માએ તો બાલિકા રાણકદેવીને માટે કાંઈ ઓરજ ભવિષ્ય નિર્માણ કર્યું હતું, તેથી રાણકદેવી એવી નિરાધાર અવસ્થામાં પણ બચી ગઈ. આખી રાત એ શૂનકાર જંગલમાં પડી રહી. બીજે દિવસે સવારમાં હડમતિયો નામનો એક કુંભાર ત્યાં આગળ માટી ખોદવા આવ્યો. તેની નજર એ સુંદર બાલિકા ઉપર પડી. તેનું અપૂર્વ સૌન્દર્ય જોઈને એ અંજાઈ ગયો. એ કુંભારને ઘેર કાંઇ છોકરૂં નહોતું, એટલે તેણે એ કન્યાને પોતાને ઘેર લઈ જઈને ઉછેરવાનો વિચાર કર્યો. આખો દિવસ કામ કરીને ઘેર પાછા ગયો, ત્યારે એ સુંદર બાલિકાને પોતાને ઘેર લેતો ગયો. એ કન્યાના મુખનું તેજ જોતાંવારજ ખાતરી થતી હતી કે એ કોઈ રાજવંશી કન્યા છે. એ કન્યા જંગલમાંથી મળી આવી હતી માટે કુંભારે તેનું નામ રાણકદેવી પાડ્યું હતું. કુંભાર તથા તેની વહુ રાણકદેવીને ઘણા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યાં. દિવસે દિવસે તેનું સૌદર્ય ઘણું વિકાસ પામવા લાગ્યું. તેના રૂપલાવણ્યની પ્રશંસા ચારે તરફ થવા લાગી. કચ્છના લાખા ફૂલાણીએ પણ એ કન્યા ઉપર મુગ્ધ થઈને હડમતિયા કુંભારને કહેવરાવ્યું હતું કે, “આ કન્યા મને પરણાવો.” હડમતિયા

૨૪૭