પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કુંભારે લાખા ફુલાણીને જવાબ આપ્યો કે, “મારી નાતવાળાને પૂછીને પરણવીશ.” લાખા ફુલાણી તેને ઘણો આગ્રહ કરવા લાગ્યો એટલે કુંભાર ત્યાંથી નાસીને સોરઠ રાજ્યમાં મજેવડી ગામમાં જઈ વસ્યો, પરંતુ ત્યાં પણ એ જંપીને બેસી શક્યો નહિ.

એક દિવસ એવું બન્યું કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસોદી ભાટ ફરતા ફરતા સોરઠમાં જઈ પહોંચ્યા અને એ કુંભારના ઘરમાં રાણકદેવી તેમના દીઠામાં આવી. રાજવંશીને છાજે એવું તેમનું રૂપ જોઈને તેમણે વિચાર કર્યો કે આવી કન્યા તો ગુજરાતના રાજાધિરાજના અંતઃપુરમાં શોભે. તેમણે પાટણ નગરમાં જઈને સિદ્ધરાજને વિનંતિ કરી કે, “રાજધિરાજ આપના અંતઃપુરમાં આટલી બધી રાણીઓ છે પણ એક પણ પદ્મિની નથી.” રાજાએ આજ્ઞા આપી કે, “તમે મારા ભાટ છો. તમે દેશદેશાંતરમાં જઈ તપાસ કરો અને મારે લાયક કેાઈ પદ્મિની કન્યા હોય તેને શોધી લાવો.” ભાટ લોકોએ કુંભારને ત્યાં ગયા અને કુંભારને ઘણું સમજાવીને રાણકદેવીનું સગપણ ગુર્જરનરેશ સિદ્ધરાજ સાથે નક્કી કર્યું.

એ સમયમાં જૂનાગઢમાં રાખેંગાર રાજ્ય કરતો હતો, રા’ ખેંગારની બહેન સિદ્ધરાજ જયસિંહના પિત્રાઈઓમાં પરણાવી હતી. તે પોતાના બે દીકરાઓને લઈને પિયેરમાં રહેતી હતી. એક દિવસ રા’ખેંગારના એ ભાણેજ દેશળ અને વિશળ શિકાર ખેલવા ગયા હતા. ફરતા ફરતા તેઓ મજેવડી ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં આગળ રાણકદેવીનું સિદ્ધરાજ સાથે સગપણ થયાની ખબર તેના જાણવામાં આવી. તેમણે જઈને પોતાના મામા રા'ખેંગારને કહ્યું કે, “આપણા રાજ્યમાં એક કુંભારની પુત્રી ખૂબસૂરત છે. એ સોરઠના રાજમહેલમાં શોભે એવી છે. તેને ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાટ આવીને જોઈ ગયા છે અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે, પરંતુ આપણા રાજ્યમાંની કન્યા બહારનો રાજા લઈ જાય એમાં આપણી આબરૂ રહે નહિ. એવું થાય તો આપાણું નાક કપાઈ જાય માટે ગમે તેમ કરીને આ કન્યા હાથ કરવી જોઈએ.” રા’ખેંગારે ભાણેજને રજા આપી કે, “તું મારી તરફથી ખાંડુ લઈને જા અને આપણા અંતઃપુરમાં એ કન્યાને લઈ આવ.” દેશળ મજેવડી ગામ પહોંચ્યો અને કુંભાર પાસે રાણકદેવીનું માગું કર્યું. સિદ્ધરાજની સાથે તેનો વિવાહ થયેલો