પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
રાણકદેવી



હોવાથી કુંભારે એ કન્યા રા’ખેંગારને આપવાની સ્પષ્ટ ના કહી; પણ દેશળે ઘણો આગ્રહ કર્યો અને સીધી રીતે માની જઈને કન્યા નહિ આપે તો બળાત્કાર કરવો પડશે, એવી ધમકી આપી, એટલે કુંભારે રાણકદેવીને દેશળ સાથે વળાવી દીધી. સોરઠમાં પહોંચ્યા પછી રાજા રા’ખેંગારે યથાવિધિ રાણકદેવી સાથે લગ્ન કર્યું અને એવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ એટલા માટે મોટો ઉત્સવ મનાવ્યો. આખા રાજ્યમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. રાજા રા’ખેંગારે ત્રણ દિવસ સુધી ગામની દરેક વર્ણને જમાડી. એ સમયમાં રાજા સિદ્ધરાજના પાટનગર પાટણના વાઘરી લોકો માટીનાં વાસણ વેચવા સારૂ સોરઠ ગયા હતા. તેમણે પૂછ્યું કે, “આજે રાજાને ઘેર શું ટાણું છે કે આખું ગામ ત્રણ ત્રણ દહાડાથી જમી રહ્યું છે?” ખેંગારના નોકરે કહ્યું કે:—

“સોરઠ સિંહલદ્વીપની, જાત તણી પરમાર;
બેટી રાજા રોળની, પરણ્યો રા’ખેંગાર.”

પોતાના રાજાનું જે કન્યા સાથે સગપણ થયું હતું તે કન્યાને બીજો રાજા પરણી ગયો, એ વાત એ વાઘરીઓને પણ અસહ્ય થઈ પડી. તેમણે પાટણ જઈને પોતાના રાજાને એ વાત કહી. સિદ્ધરાજ એ ખબર સાંભળીને ઘણો ગુસ્સે થયો અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા તેણે પોતાના શૂરા સામંતને મોકલ્યા. રા’ખેંગાર પણ વીરરાજા હતો એટલે સિદ્ધરાજના સૈન્યને પરાજય થયો.

આ પ્રમાણે સિદ્ધરાજને પરાજય આપીને રા’ખેંગાર પૂર્ણ સુખમાં રાણી રાણકદેવી સાથે જીવન વ્યતીત કરવા લાગ્યો. સિદ્ધરાજનું વેર એ બિલકુલ ભૂલી ગયો હતો. આ વખતે રા’ખેંગારના મનમાં એમજ હતું કે, “આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સુખી હોય તો તે હું જ છું.” તેને આ પ્રમાણે સંતોષ માનવાનું કારણ પણ હતું. રાણકદેવી પતિપરાયણ નારી હતી. પતિના સુખવૈભવમાં વૃદ્ધિ કરવાને તે રાતદિવસ પ્રયત્ન કર્યા કરતી હતી. સદ્‌ભાગ્યે એ પ્રેમી દંપતીની સ્નેહગ્રંથિને મજબૂત કરનાર એ પુત્રરત્ન પણ રાણકદેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો.

આ પ્રમાણે રાણકદેવી અને રા’ખેંગારનો સુખી સંસાર ચાલ્યો જતો હતો. પેલી તરફ પાટણમાં સિદ્ધરાજ તેનું વેર લેવા લાગ શોધી રહ્યો હતો. તેણે એક વાર ફરીથી ઘણું મોટું સૈન્ય લઈ