પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જઈને રા’ખેંગારના રાજ્ય ઉપર ચઢાઈ કરી. આ સમયે રા’ખેંગારનો ભાણેજ દેશળ પણ ફૂટીને સિદ્ધરાજના પક્ષમાં ગયો હતો. એ લોકો પુષ્કળ સૈન્ય લઈને ગઢમાં ગયા અને દરવાજો ઉઘડાવીને શરણાઈઓ વગડાવી. દૂદો અને હમીર એ દરવાજાનું રક્ષણ કરવા ઉભા હતા, તેમને સિદ્ધરાજના સૈન્યે ઠાર માર્યા. શત્રુઓને સામા આવતા જોઈને રા’ખેંગાર લડવા આવ્યો, એ વખતનું વર્ણન કરતાં ગુજરાતનો જૂનો કવિ કહે છેઃ—

“ઝાંપો ભાગ્યો ભેળ પડિ, ભેળ્યો ગઢ ગરનાર;
દૂદો હમીર મારીયા, સોરઠના શણગાર.
રણ શરણાઈ વાગિયો, પાખરીઆ કેકાણ;
શૂરા મુખ પાણી ચડે, ફાયર ૫ડે ભંગાણ.”

એ વખતે રા’ખેંગાર અને સિદ્ધરાજના સૈનિકો વચ્ચે ઘણી ઝપાઝપી ચાલી. બન્ને પક્ષના ઘણા સિપાઈઓ માર્યા ગયા અને છેવટે રા’ખેંગાર પણ એ યુદ્ધમાં કામ આવી ગયો. પછી સિદ્ધરાજને સાથે લઈને, રા’ખેંગારનો નિમકહરામ ભાણેજ દેશળ રાણકદેવીના મહેલમાં ગયો અને કહ્યું કે, “મામીજી! અમે બે ભાઈઓ તથા મામાજી આવ્યા છીએ, બારણાં ઉઘાડો.” સરળ હૃદયની ૨મણી રાણકદેવીના પેટમાં કાંઈ પાપ નહોતું. એણે તરત બારણાં ઉઘાડ્યાં. પતિના મૃત્યુની તેને લેશમાત્ર પણ ખબર નહોતી. એ તો એ સમયે પોતાના બે પુત્રોને આનંદપૂર્વક રમાડવામાં અને લાડ લડાવવામાં તલ્લીન હતી. સિદ્ધરાજે તેની નિકટ જઈને રા’ખેંગારના મૃત્યુના સમાચાર જણાવ્યા તથા પોતાની રાણી બનવા માટે ઘણાં પ્રેમપૂર્વક આગ્રહ કર્યો, પરંતુ સતી રાણકદેવીએ તેનો ઘણોજ તિરસ્કાર કરી કાઢ્યો. એથી ગુસ્સે થઇને સિદ્ધરાજે રાણકદેવીના પાંચ વર્ષના કોમળ બાળકને મારી નાખ્યો અને બીજા બાળકને મારવાની પણ બીક બતાવી. બીજો બાળક ૧૧ વર્ષનો હતો. તેનું નામ માણેરો હતું. એ સિદ્ધરાજથી ડરી જઇને માની સોડમાં ભરાઇ ગયો એ વખતે વીરપત્ની રાણકદેવીએ તને ક્ષાત્રધર્મના રહસ્યરૂ૫ સુંદર ઉપદેશ સંભળાવ્યો:—

“માણેરા! તું મ રોય, સ કર આંખ્યો રાતિયો;
કુળમાં લાગે ખોટ, મરતાં મા ન સંભારિયે.”

એ સાંભળીને સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ આપ્યો