પૃષ્ઠ:Rutugeeto.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦

 ગળે, રાજસભામાં અને રેંટિયાના ગુંજન સાથે, સર્વત્ર રેલી શકે છે, પીનાર પાનાર રંક કે રાય, વિદ્વાન કે નિરક્ષર, સ્ત્રી કે પુરુષ, સર્વેને સચોટ નાદ– થડકાર સમેત દોહો સ્પર્શી શકે છે. એ મેહ-ઉજળીના—

મોટે પણગે મે, આવ્યો ધરતી ધરવત
અમ પાંતીનો એ, ઝાકળ ન વરસ્યો જેઠવા!

વણ સગે, વણ સાગવે, વણ નાતરિએ નેહ,
વણ માવતરે જીવશું, તું વણ મરશું મેહ !

એ મેહનું રૂપક વાપરીને કરેલા વિલાપોમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ ભારોભાર છે. ભાષા-રચનામાં મર્દાનગીભર્યા ચારણી કાવ્યનું સંયમિત કૌવત છે. અને તેટલી જ ગરબાગીતની કોમલતા છે. કારણ એ છે કે આ દોહાસોરઠાનું સર્જન સભારંજક અને અલંકાર-શોખીન ચારણ કવિનું નથી, આ તો છે નિસર્ગનાં વીરત્વ અને માર્દવ બન્નેના ગાઢ સંગી, પ્રેમદર્દી, વિરહાનુભવી અને તે છતાં બીજી બાજુ તેટલા જ વિક્રમશીલ સ્વભાવવાળા વનરાજ-સંગાથી ગોપજનોનું ઊર્મિ-ઉચ્ચારણ.

ઝવેરચંદ મેઘાણી