ઋતુના રંગ : ૪ :
ભાવનગર.
તા. ૧૨ - ૨ - ૩૬
વહાલાં બાળકો !
હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે.
હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગિજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગિજુભાઈને ટાઢ બહુ વાય છે; જ્યારે ગિજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે.
પણ હજી શિયાળાનો વા વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલેથી બીજે થાંભલે બેસે છે, અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઊડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો, એવો એનો રંગ છે; જરાક નિરાંતે જોશો તો તુરત તે ઓળખાશે. તે ઝટઝટ ઊડી જાય છે, એટલે તમને નિરાંતે જોવા તો નહિ જ દે.
વારુ, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે, એટલે ટુકટુક દેખાવા લાગ્યું છે. આપણા વાળાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે, અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટુકટુક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે.
ટુકટુક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે, અને પીછાં લીલા રંગનાં છે; તેને જોવું ગમે તેવું છે.