હવે જેમ ગરમી વધતી જશે તેમ તેમ ટુકટુક બોલશે. પોતાનું ડોકું એક વાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે, અને દરેક વખતે તે ટુક.....ટુક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે ? કોઈને પક્ષીનો વહેમ તો જાય જ નહિ. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ઘડે છે. ટણિંગ ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મીથ કહે છે.
વારુ, હવે શિયાળો ઊતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથેપગે ચડી ગયેલો મેલ એની મેળાએ મેળાએ ઊખડશે. એવી કહેવત છે કે " ફાગણે ફુવડનો ય મેલ જાય. "
હમણાં જામફળ-જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળાં અને રાતાં બે જાતનાં થાય છે. તમને કઈ જાતનાં ભાવે છે ? મને તો બન્ને જાતનાં ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતાં હશો. આપણે એક વાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યાં હતાં, ખરું ? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય, હો ! ગાજરમાં વિટામીન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા; એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણાં ને પાપડી ખાઓ; આ બધાં શિયાળુ શાક ખાઓ. ચણા-રીંગણાંનું શાક પણ ખાશો જ ખાશો.
બાકી તમારે ત્યાં અડદિયો, ગડદિયો, ગૂંદરિયો, બૂંદરિયો, એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ; બદામપાક ને સાલમપાક ખાઓ. ગરીબનાં છોકરાં રોટલા ખાય, તમે પાક ખાઓ.
આ તો શિયાળો છે; હવે ઉનાળો આવશે. તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો ? વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે, ત્યારે ! એ જ.
લિ. તમારો
ગિજુભાઈ