લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૫ :

ભાવનગર.

તા. ૧૯ - ૨ - ૩૬

વહાલાં બાળકો !

કાં, આજકાલ શિયાળો છે કે ઉનાળો ? હમણાં ઋતુ બહુ વિચિત્ર છે. સવારે ધુમ્મસ જેવું હોય છે; સૂર્ય લાલ ચોખ્ખો નથી ઊગતો. બપોરે વળી માથું તપે એવો તાપ પડે છે, અને રાતે (આજે તો) પવન સખત ફૂંકાય છે ને ઠંડી લાગે છે. આ ઋતુ એટલે બધા કહે છે કે ઋતુની સંધિ. નહિ શિયાળાની કોરી ઠંડી, નહિ ઉનાળાની કડક ગરમી. હમણાં તો હવામાં ઠંડીને બદલે ભેજ છે, અને ચોખ્ખા તડકાને બદલે વચ્ચે વચ્ચે વાદળિયો તડકો નીકળે છે. આમાં રોગચાળો બહુ ચાલે. શીળી, ઓરી, કફ, ઇન્ફ્લ્યુએન્ઝા, શરદી, બધા રોગો આવે વખતે નીકળે.

આજ તો બાળકોને પણ બરાબર ન ગમ્યું. બહાર ગરમી લાગી એટલે અંદર ઓરડામાં આવી કામે લાગ્યાં; વળી અંદર ઠંડી લાગી એટલે પાછાં અખાડામાં તડકે આવ્યાં. બાળકોને ઋતુઓના ફેરફારની બહુ સારી રીતે ખબર પડે છે. જ્યારે તડકો પડે ત્યારે બધાં બાળકો સંગીતના ઓરડામાં હોય છે, અને ઠંડી પડે ત્યારે લગભગ આખો ઓરડો ખાલી હોય છે. એમ તો પક્ષીઓને, પશુઓને, સૌને હવાના ફેરફારની ખબર તો પડે જ; પણ ખાસ કરીને પક્ષીઓને એની બહુ ખબર પડે છે. તેઓ ગાય, નાચે, માળા કરે, ઈંડાં મૂકે, એ ઉપરથી આપણે જાણી શકીએ કે હમણાં કઈ ઋતુ છે.

આ શિયાળો ઊતરવા આવ્યો ને વસંત બેઠી એટલે પક્ષીઓ વધારે લહેરમાં આવ્યાં છે. સક્કરખોરાના રંગો એટલા તો સુંદર થાય છે, કે બસ ! અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ વગાડતો હોય એવું ગળું વગાડે છે, અને લળી લળીને ફૂલોમાંથી રસ ચૂસે છે. એની મસ્તી અને રંગબદલી ઋતુની અસરને કારણે છે.