લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હરણાં કહેવાય છે; વ્યાધ એની પાછળ પડેલો છે. આની પણ વાર્તા છે; સુંદર છે. એમ તો આકાશના તારા ને ગ્રહોની ઘણી વાર્તાઓ છે, અને એની વાતો પણ રસિક છે. પણ મને એ બધું નથી આવડતું. હજી તો હું તારાનું શાસ્ત્ર હમણાં જ શીખવા માંડ્યો છું.

તમે એટલું તો કરો. રોજ રોજ આકાશ સામે જોયા જ કરો. અને તારાઓ કેવા કેવા હોય અને ક્યાં ક્યાં દેખાય છે એ તપાસો. ઉનાળે, શિયાળે, ચોમાસે, નોખા નોખા તારા તમને દેખાશે. કેમ જાણે તારાઓની પણ ઋતુ આવતી હોય, એમ તમને લાગશે. પછી તમને થશે કે એમ શાથી થતું હશે ? અને પછી તમે જેને તેને પૂછવા લાગશો પછી તમે જાણશો કે પૃથ્વી આવી રીતે ફરે છે, ને તારાઓ શું છે ને કેવડા છે, ક્યાં છે વગેરે વગેરે. આપણને એમાં ઝાઝું આવડે નહિ, એટલે મૂંગા જ રહીશું.

ગોપાળરાવનો ગુલમહોર ફૂલે ફાલી ઊઠ્યો છે. પાનખરમાં એને એક પણ પાંદડું નહોતું રહ્યું; એમ લાગતું હતું કે એ સાવ સુકાઈ ગયો છે. પણ હમણાં તો લીલાંછમ પાંદડાંથી લીલો લીલો થઈ ગયો છે, અને ડાળે ડાળે લાલ ફૂલના ગુચ્છાથી તો તે કાંઈ શોભે છે ! ઘરનાં આંગણામાં મોટી એવી ફૂલદાની જેવો એ સુંદર લાગે છે. નીચે ઊભા ઊભા જોઈએ તો એ ફૂલે ગૂંથેલા છત્તર જેવું લાગે. બાલમંદિર જેટલે ઊંચે ચડીને જોઈએ તો ફૂલના બુટ્ટા ભરેલો ગાલીચો અધ્ધર પાથર્યો હોય એવું લાગે ! ઓણ તો મારા ગુલમહોરને પહેલવહેલાં જ ફૂલો આવ્યા છે; હજી તો ફૂલો બેસતાં જાય છે; સવારે ઊઠીને હું ગુલમહોર જ જોઉં છું, ને એનાં કેટલાં ફૂલો વધ્યાં તેની તપાસ કરું છું.

ખરો ઉનાળો છે પણ ઝાડનાં કુમળાંમાં કુમળાં પાંદડાં આ વખતે ફૂટે છે. ચોમાસામાં ઘાસ ઊગી નીકળે ખરું; ઉનાળામાં એ સુકાઈ જાય. પણ એ જ ઉનાળે મોટાં ઝાડોને પાંદડાં ને ફળો આણે. વાત એમ છે કે તડકો ઝાડને એકંદરે પસંદ છે. તડકામાં પ્રાણ છે, જીવન છે. ઝાડનાં પાંદડાં વડે ઝાડ પોતાનામાં ગરમી લે છે. એ ગરમી વડે તે જમીનમાંથી ખોરાક મેળવે છે ને તેને પચાવે છે. એટલે જો ઝાડને પાણી મળે, ખાતર મળે, પણ સૂરજનો તડકો ન મળે તો તેને અન્ન પચે નહિ અને તે મોટું ન થાય. ઝાડનાં પાંદડાં લીલાં થાય છે તે સૂરજના તડકાને લીધે થાય છે. તમે નવાઈ પામશો કે પાંદડાં પોતાની પાછળના ભાગમાં આવેલાં ઝીણાં ઝીણાં કાણાં વાટે તડકો લે છે. તમે જોશો તો દેખાશે કે દરેકે દરેક પાંદડું સૂરજના તડકા ભણી વળવાની મહેનત કરતું હશે, અને વળેલું હશે. ઝાડ અને વેલાઓ પોતાનાં પાંદડાં એવી જ રીતે ઉગાડે છે કે તે સૂરજનો તડકો સહેજે લઈ