શકે. પાંદડાંઓ એકબીજાં ઉપર તડકા માટે પડાપડી કરતાં નથી; પણ એવી રીતે ગોઠવાય છે કે બધાંને લાભ થાય અને ધક્કાધક્કી ન થાય.
આવો બાળી નાખે એવો ઉનાળો કાંઈ જેવોતેવો ઉપયોગી નહિ સમજતાં. ચોમાસું એને આધારે થાય. ખરી રીતે શિયાળો અને ઉનાળો મુખ્ય ઋતુ ગણાય.
હમણાં ગરોળી, કાકીડો ને બધાં પણ પોતાનાં ઇંડાં મૂકવા માંડ્યાં છે. મગર પણ ગરમ ગરમ રેતીમાં પોતાનાં ઇંડાં મૂકશે. ગરોળીનાં ઇંડાં ધોળાં અને ગોળ હોય છે. ડાહીબેનના કબાટમાંથી પરમ દહાડે બેત્રણ ઇંડાં નીકળ્યાં હતાં. આજકાલ ગરોળીનાં નાનાં નાનાં બચ્ચાં જ્યાં ત્યાં દોડમદોડ કરે છે. નવાં બચ્ચાંને દુનિયા નવી નવી લાગે એટલે કાંઈ ઘરડાં માવતર જેમ બેસી ન રહે; એ તો લહેર કરવા નીકળી પડે. એટલામાં વળી એક સમળી કે કાગડો ઉપાડી પણ જાય ! નાની નાની ઉંદરડીઓ જ્યાં ત્યાં દેખાશે; સાપની માશીઓ પણ દેખાશે. વીંછીઓ, સાપ, કાનખજૂરા, એ બધાં હમણાં જન્મશે અને જીવવા માટે દોડશે. વિષ્ણુભાઈએ ગઈકાલે જ નાનો એવો વીંછી નાહકનો મારી નાખ્યો.
આંબે કેરીઓ અને રાયણ ઉપર રાયણો તો ક્યારની આવી ગઈ. લીમડે લીંબોળી હજી નાની નાની છે. મીઠો સુવાસભર્યો કોર ખરવા માંડ્યો અને તેની પાછળ લીંબોળી ડોકિયાં કરવા લાગી. મારા આંગણાને લીમડે તો બોર બોર જેવડી લીંબોળી થઈ પણ ગઈ ! કેવો સુંદર એનો રંગ ને આકાર છે ! મને તો બહુ ગમે છે. પેપડી હવે ખૂબ મોટી થઈ છે; પીંપરનું જીવન પેપડીમય થઈ ગયું છે. આજુબાજુની પીંપરો પેપડીથી ઢંકાઈ ગઈ છે, ત્યારે સામેની બોરડીનાં પાંદડાં ખરવા લાગ્યાં છે. બોરડીના દિવસો વહેલા આવ્યા ને વહેલા ગયા. એક વાર બોરડી બોરથી સુંદર હતી; આજે બોર વિનાની બોડી છે. પણ બધા દહાડા કાંઈ સરખા રહે છે ?
અમારા ઘર પછવાડે એક લીમડાની ડાળી ઉપર મધ બેઠું છે. નાની થાળી જેવડું એ હજી થયું છે. દી બધો એની ઉપર મધમાખીઓ બેઠી જ હોય છે. અહીંતહીંથી મધમાખીઓ મધ લઈ આવે છે. હું સવારમાં ઊઠું તો ગુલાબમાં મધમાખીઓ બેઠી હોય છે; ત્યાંથી તે મધ લેતી હોય છે. આપણે ઉડાડીએ તો યે ઊડે નહિ. એમ તો મધમાખીઓ બારે માસ મધ બનાવ્યા કરે; પણ જ્યારે જ્યારે મધભર્યાં ફૂલો ઊઘડે ત્યારે ત્યારે તે ખૂબ જ મધ બનાવે. અહાહા ! મધમાખીઓ કાંઈ કામઢી ! એક ઘડી પણ નવરી ન પડે. મધપૂડાની તો