લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટી મોટી ચોપડીઓ લખેલી છે. મધમાખીઓ કેવી રીતે મધપૂડો બાંધે ને ક્યાંથી ને કેવી રીતે મધ લાવે ને બધાં કેવી રીતે ખાય, ઇંડાં ક્યાં મૂકે ને બચ્ચાં કેમ થાય, ને એવી એવી વાતો તો બહુ સુંદર છે. એમાં એક રાણી હોય છે; એનું કામ ઇંડાં જ મૂકવાનું; એને બીજું કામ નહિ. બીજી નોકર માખીઓ એને સારું સારું મધ ખવરાવે ને સાચવીને રાખે. અરે, આવી તો ઘણી ય વાતો છે. અમારા ઘર પછવાડેનું મધ અમારા નોકર બોરાએ બતાવ્યું હતું. બેચાર પથ્થરો વચ્ચે પોલાણ હતું, એમાં એ હતું. પણ જ્યારે અમે તે જોવા ગયા ત્યારે માખીઓ તેમાંથી ઊડી ગઈ હતી. ખાલી પૂડો અમે લઈ આવ્યા ને અમારા સંગ્રહસ્થાનમાં મૂક્યો. આવી આવી વસ્તુઓનું અમે સંગ્રહસ્થાન કરીએ છીએ. આ પૂડો મીણનો હતો. આપણે મીણ જોઈએ છીએ તે માખીઓએ બનાવેલું હોય છે. ઝીણાં ઝીણાં છ ખાનાંનો મધપૂડો મીણનો બનેલો હોય છે. તમે કોઈ વાર હાથમાં લઈ જોશો તો ખબર પડશે. માખીઓ ન હતી એટલે અમે વગર મહેનતે મધપૂડો લઈ શક્યા. માખીઓ હોય તો આપણને વીંટળાઈ વળે અને આખે ડિલે આપણને ચટચટ ચટકાવી નાખે ! પણ હોશિયાર લોકો બહુ ખુબીથી મધપૂડા ઉપરથી મધ પાડી શકે છે, ને એક પણ માખીને કરડવા દેતા નથી.

મેં એક જણને મારી નજરે મધ પાડતાં જોયો હતો. લૂગડાને સળગાવીને તેનો ધુમાડો દીધો એટલે માખીઓ બેભાન થઈ ગઈ. પછી તેણે ઝટકો માર્યો એટલે મધપૂડાની બધી માખીઓ જમીન પર ઢગલો થઈ ગઈ. પછી તેણે મધપૂડો અમને બતાવ્યો, મધ બતાવ્યું, ઇંડાં બતાવ્યાં, રાણીનો મહેલ બતાવ્યો, બધું બતાવ્યું.

ઉનાળાની વાત કરતાં કરતાં આ તો મધપૂડાની વાત થઈ. વારુ ત્યારે, સલામ !

હજી ઉનાળો કાંઈ ચાલ્યો જવાનો નથી. હજી તો ઘામ થશે ને અકળાઈ જશું. પછી વરસાદનું મોં ભાળશું.

લિ. શુભેચ્છક

ગિજુભાઈ