ઋતુના રંગ : ૧૨ :
ભાવનગર.
તા. ૧૪ - ૭ - ૩૬
પ્રિય બાળકો !
ઉનાળો ચાલતો હતો ને હું સંયુક્ત પ્રાંતના પ્રવાસે ઊપડ્યો. એટલે જ હું તમને ઋતુનો પત્ર લખી શક્યો નહિ, તો માફ કરશો.
હવે તો વર્ષાઋતુ બેસી ગઈ છે. બળબળતો ઉનાળો સંભારી સંભારીને એને વિષે કોણ લખે ? ગઈ તિથિ તો જોશી યે નથી વાંચતા, એવી એક કહેવત છે.
પણ આમ લખીએ તો ઉનાળાને અન્યાય કર્યો કહેવાય. એ તો ઉનાળાને પ્રતાપે આજે આપણે ત્યાં ચોમાસું છે ને લીલાલહેર છે.
થોડા જ વખત પહેલાં આકાશને અડે એવી આંધી ચડી હતી. રાજાની સવારીની ખબર આપતો ફોજદાર કે જમાદારનો ઘોડો નીકળે, તેમ વરસાદની ખબર આપતી આ આંધીએ આવીને લોકોને ખબર આપ્યા કે "તૈયાર થાઓ, તૈયાર થાઓ; મેઘરાજા આવવાના છે."
ડાહ્યા લોકોએ ઘરનાં છાપરાં ચળાવી લીધાં, ઘરની વંડીઓને છાજાં દીધાં ને વરસાદની વાટ જોવા માંડી.
પછી તો એક સાંજે વાદળાં ચારેકોરથી એકઠાં થવા માંડ્યાં અને જોતજોતામાં તો આકાશ કાળું ડિબ્બાણ થઈ ગયું. સૂર્યનો પ્રકાશ છેક ઓછો થઈ ગયો ને સાંજ જેવું દેખાવા લાગ્યું. પક્ષીઓને થયું કે જરૂર હવે વરસાદ આવશે. એટલે તેઓ માળા તરફ ઊડવા લાગ્યાં. પાણી ભરવા ગયેલી પનિહારી ભર્યે બેઢે ઉતાવળે પગે ઘર ભણી ચાલવા લાગી. નળિયાં ચાળવા છાપરે ચડેલો હસનો ઝટઝટ ઉઘાડાં કરેલાં કાવાં ઢાંકી દેવા માંડ્યો. ત્યાં તો અધ્ધરથી વરસાદ ત્રાટક્યો. આકાશના અવકાશમાં કેટલી યે તોપો ફૂટે એવો ગડુગડાટ