લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થવા લાગ્યો. અનરાધાર વરસાદ અને ગડુડાટ વચ્ચે વીજળી સબાકસબાક સબાકા દેવા લાગી.

એક ઘડીકમાં તો વરસાદને લીધે પૃથ્વીનો દેખાવ બદલાઈ ગયો. જે રસ્તાઓ ઉપર ધૂળ ઊડતી હતી તે રસ્તાઓ કીચડવાળા થઈ ગયા. જ્યાં સૂકા ખાડાઓ હતા ત્યાં પાણીનાં નાનાં નાનાં ખાબોચિયાં અને તળાવો થઈ ગયાં. જ્યાં તડકાથી કંટાળીને ઝાડ ને પાંદડાં ચીમળાઈને માથું નીચું નમાવીને ઊભાં હતાં ત્યાં ઝાડપાન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં. જ્યાં થોડી વાર પહેલાં ગરમી લાગતી હતી ત્યાં હવે શીતળ મજાની હવા આવવા લાગી, ને આકાશનો દેખાવ પણ ફરી ગયો.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! સડકો ઉપર થઈને પાણી વહી ગયાં. ક્યાંક ક્યાંક સડકો તૂટી પણ ગઈ. નાનાં નાનાં નાળાં ખળખળ વહેવા લાગ્યાં. ખેતરોમાં પાણી ભરાયું ને રેલાવા માંડ્યું. એ રેલામાંથી નાના મોટા વોકળા થયા; વોકળાઓ જઈને નદીને મળ્યા, ને નદીએ નવા પાણીનાં પૂર આવ્યાં.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! ચાળ્યા વિનાનાં છાપરામાંથી ઘણા બધા ચૂવા થવા લાગ્યા. ઘર આખું પાણી પાણી થઈ ગયું. ફળિયામાં પડેલાં અને નહિ ઉપાડેલાં છાણાં અને લાકડાં પલળી ગયાં. છત્રી વિના બહાર ગયેલા લોકો પૂરેપૂરા પલળીને આવ્યા. વરસતે વરસાદે નિશાળમાંથી છૂટેલાં છોકરાં હાથે કરીને નહાતાં ને કૂદતાં ઘરને આંગણે ખૂબ ખૂબ મોડાં આવ્યાં.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! કેટલા ય દિવસનો તાપ અને ઘામ આજે શમી ગયા. કેટલા યે દિવસની ઊડતી ધૂળ આજે બેસી ગઈ, ને તેમાંથી મીઠી મીઠી વાસ આવવા લાગી. કેટલા યે દિવસે આજે તાપે તપતી ધરતી ટાઢી થઈ. મોરે આનંદમાં આવી કળા કરીને ટહુકો કર્યો. કોયલે પોતાનું કૂજન બમણા જોરથી લલકાર્યું. ચકલી, કાબર અને કબૂતરો ખાબોચિયામાં પાંખ પસારી નહાવા લાગ્યાં ને ખુશખુશ થતાં આમતેમ ઊડવા લાગ્યાં.

ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું ! ખેતરો પાણીથી તરબોળ થયાં. તળાવનાં ને કૂવાનાં પાણી ઊંચા ચડ્યાં. નદીઓનાં નીર કાંઠે અડ્યાં.