દેડકાં પોતે પણ લહેરમાં છે. ઊંઘમાંથી ઊઠીને મોટાં દેડકાં ગાનતાન કરવા લાગી ગયાં છે. વર્ષાનો જબ્બર જલસો તેઓ આખી રાત જમાવે છે. કોઈને ગમે છે કે નહિ તેની તેઓ જરા પણ પરવા કરતાં નથી. મોટા વાજાંઓની પાછળ નાની નાની પિપૂડીઓ પણ વાગે છે. આપણી કૂંડીમાં સંખ્યાબંધ દેડકા થયાં છે; કંઈ પાર વિનાની દેડકીઓ અહીંથી તહીં કૂદંકૂદા કરે છે. તે દેડકાં થયાં ત્યાર પહેલાં નાનાં નાનાં માછલાં જેવાં હતાં; તે પહેલાં નાનાં ઇંડાં હતાં. ચોમાસું એટલે દેડકાં થવાની મોટી જબરી મોસમ. હજારોની સંખ્યામાં દેડકાઓ થાય ને હજારોની સંખ્યામાં ખવાય કે મરી જાય. એમાંથી બચે તે મોટાં ભાભા દેડકાંઓ આવતા ચોમાસામાં ઇંડાં મૂકવા અને બચ્ચાં જોવા માટે રહે. ચોમાસાનું દેડકાગાન તમે રોજ રાતે જરૂર સાંભળતાં હશો જ.
આજકાલ કાબરબાઈ બહુ લહેરમાં છે. ઇંડામાંથી ફૂટીને બહાર આવેલાં બચ્ચાં હવે માળામાંથી બહાર આવી ગયાં છે. હવે તો માદીકરો કે બાપદીકરો એક જ ડાળે બેસે છે ને મજા કરે છે. મા જાણે કે દુનિયામાં કેમ રહેવું, કેમ ઊડવું એનો પાઠ કચકચ કરીને આપે છે, અને ચીબ ચીબ બોલીને બચ્ચું પાઠ ભણતું જાય છે. કાબરનાં છોકરાંને માણસનાં છોકરાં જેમ મોટાં થતાં વરસો જતાં નથી. થોડા વખતમાં બચ્ચાં સ્વતંત્ર થઈ ઊડવા લાગશે ને આવતે ચોમાસે તો આ બચ્ચાંઓ પોતાનાં બચ્ચાંને ચાંચે ચાંચે ઈયળો ને એવું એવું ખવરાવતાં હશે, ને ડાહ્યાડમરાં થઈ જિંદગીના પાઠો આપતાં હશે.
આપણા શંકરભાઈએ પહેલા વરસાદમાં નીકળી આવેલાં મખમલિયાંને શીશીમાં રાખ્યાં છે. શંકરભાઈ મખમલિયાંનો પ્રયોગ કરે છે. વરસાદ પડ્યો તેની બીજી સવારે રાતા મોટા માણેક જેવડાં ને લાલ રેશમનાં જાણે બનાવ્યાં હોય એવાં મખમલિયાં કોણ જાણે ક્યાંથી યે આવ્યાં. અણસમજુ લોકો તો એમ માને છે કે મખમલિયાં વરસાદ સાથે આકાશમાંથી પડે છે, પણ એ તો ખોટું છે. વૈજ્ઞાનિક લોકો કહે છે કે મખમલિયાં-ઇંદ્રગોપ વરસાદ આવતાં જ ઉંઘમાંથી જાગી જાય છે અને પહેલા વરસાદમાં દોડંદોડા કરી મૂકે છે. ચારેકોર લાલ દાણા વેરાયા હોય એવું ઝીણી નજરે નીચે જોઈને ચાલનારને દેખાય છે. હજી ઘાસે કોંટા માત્ર કાઢ્યા છે; એવી જમીન પર આ લાલ જીવડાં જોવાની મજા આવે છે. તે સુંવાળા મખમલ જેવાં છે એટલે આપણે તેને મખમલિયાં કહીએ છીએ; એનું ખરું નામ તો ઇંદ્રગોપ છે. શંકરભાઈ એને શીશીમાં પૂરે છે. માટીનો ખોરાક તેઓ ખાઈને રહે છે. તેઓ પોતાની ટેવ પ્રમાણે ઊંઘી જાય છે; જાણે મરી ગયાં હોય તેવાં જ બની જાય છે. પણ જ્યાં પાછા વરસાદના છાંટા પડે કે તરત જ તે જીવવા માંડે છે. એને વિષે