લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutuna Rang.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શંકરભાઈએ શિક્ષણપત્રિકામાં એક લેખ લખ્યો છે. તમારે મખમલિયાં પાળવાં હોય તો શંકરભાઈને મળજો; તેઓ તેમને ઉછેરવાની રીત બતાવશે.

આજકાલ આકડાની ઇયળો, કીડામારીની ઇયળો, ઊમરાની ઇયળો, એમ જાતજાતની ઇયળોનો જાણે વરસાદ થયો છે. ઊમરાની ઇયળે તો આખા ઊમરાનાં પાંદડેપાંદડાં કોરી ખાધાં છે. ઊમરા ઉપરથી નીચે પડીને ઇયળો બાલમંદિરના ઓરડામાં પેસી ગઈ છે.

બધા વાતો કરે છે કે આ ઇયળોને ભમરી ઉપાડી જાય ને પોતાના દરમાં રાખે છે. ભમરીનાં ઇંડાંમાંથી જ્યારે ઇયળો થશે ત્યારે આ ઇયળોને તે ખાશે ને મોટી થશે. ભમરીનાં દરો તોડીને જોઈ લેવું કે આ વાત ખોટી છે કે સાચી.

આકડાની ઇયળોમાંથી પતંગિયાં થાય છે; તેની ખબર બાલમંદિરનાં લગભગ બધાં બાળકોને પડી ગઈ છે. આકડાનાં પાંદડાં પાછળ પતંગિયાં પોતાનાં ઇંડાં મૂકે છે; તેમાંથી ઇયળો થાય છે ને આકડાંનાજ પાંદડાં ખાઈ જાડી થઈ ઊંઘે છે ને કોશેટો બની જાય છે. એ કોશેટામાંથી આખરે પતંગિયું થાય છે. શંકરભાઈએ પોતાના ઓરડામાં કાચની શીશીઓમાં આકડાની ઇયળોનાં ઘણાં પતંગિયાં બનાવ્યાં છે.

ચોમાસું એટલે જીવાતની ઋતુ. માખીઓએ લાખો ઇંડાં મૂક્યાં ને તેમાંથી લાખો માખીઓ થવા લાગી છે. આજકાલ તે જ કારણે માખીઓ વધવા લાગી છે. ઊધઈના તો રાફડા ફાટ્યા છે એમ જ કહી શકાય. પહેલો વરસાદ વરસ્યો કે રાફડામાંથી પાંખાળા મકોડા આકાશે ઊડ્યા; દિવસ બધો ઊડ્યા, એકાદ રાત પણ ઊડ્યા; બીજે દિવસે તેની પાંખો જ્યાં ત્યાં રખડતી જોવામાં આવી. કેટલાકને પક્ષીઓ ઉડાવી ગયાં; ગોકળગાય, ગોપલા, ભરવાડો અને જાતેજાતનાં જીવડાં ચોમાસા સાથે આવે તે ચોમાસા સાથે જાય.

આજકાલ દરજીડો જોરમાં છે; દિવસ બધો બોલે છે. માળો બનાવતો જાય છે ને ગાયન ગાતો જાય છે. બીજાં બધાં પક્ષીઓએ ઇંડાં સેવી બચ્ચાંને માળામાંથી ઉડાડી પણ દીધાં છે; આ દરજીડો કાંઈક મોડો પડ્યો છે. કોઈ ઘરાકનાં કપડાં સીવવા ગયો હશે ! તમે એનો માળો જોવા માગતાં હો તો મારા બાગમાં આવજો. શેતૂર ઉપર એનો માળો છે. એનું દરજીડો નામ છે તે સાચું છે. બે પાંદડાંને સીવીને એણે પડિયા જેવું બનાવ્યું છે. હવે એ પડિયામાં સુંવાળા વાળ, રૂ ને એવું લાવશે; તેમાં ખાડા જેવું બનાવશે ને પછી ઇંડાં મૂકશે.