પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સાહિત્યને ઓવારેથી
 


સવાલ છે. પણ હું એટલી તો વિજ્ઞપ્તિ કરી શકું ને કે ‘મ્હને તો તમને સહુને ચ્હાવા દો ?’” બ્લેવેટ્‌સ્કી લોજમાં શ્રી. જ્યકરના પ્રમુખપદે ઉજવાયલા તેમના વનપ્રવેશ સમારંભ વખતના આ ઉદ્‌ગાર છે. સાહિત્યસેવા તેમજ સાર્વજનિકસેવા એ તેમની જંદગીનું ધ્યેય છે. વિવેચન તે તેમને મન ‘વાઙ્‌મય તપ’ છે; અને તેમાં કોઈનીયે અપ્રસન્નતા વહોરવી કે કોઈનું ય મન દૂભાવવું તેમને પસંદ જ નથી. શ્રીમદ્ ભગવદ્‌ગીતાના अनुद्वेगकरं वाक्यंના નિયમને તેઓ દૃઢતાથી પાળતા આવ્યા છે. વિવેચનક્ષેત્રમાં સદ્‌ગત નવલરામ તેમના આદર્શ છે. તેઓ એક ‘રાગદેશવિહીન’ પ્રચારક છે. દી. બ. કૃષ્ણલાલ ઝવેરીના મતે તેઓ પ્રથમ પંક્તિના લેખક, વક્તા ને કાર્યકર્તા છે, સ્વ. ઉત્તમામ ત્રિવેદી તેમને ‘સિદ્ધ વક્તા’ કહેતા, મનસુખરામ ત્રિપાઠી તેમના લખાણને સિદ્ધ સાક્ષરના જેવું ગણતા, અને આચાર્ય આનંદશંકર ધ્રુવ તેમને ‘વગર તૈયારીએ સારૂં બોલી શકનાર વક્તા’ તરીકે ઓળખે છે.

ચંદ્રશંકરભાઈ આમ વિવિધ સ્વરૂપે દેખાય છે. કાર્યકર્તા, વક્તા અને લેખક તરીકે જાહેર કાર્યકર્તા તરીકે તેમને માટે અગાઉ પૂરતું કહેવાઈ ગયું છે. વક્તા તરીકે તેમનામાં સચોટ ચિંતન, ચોક્કસ વિચારો, જોરદાર ભાષા, અને સમય તથા પ્રસંગને ઓળખવાની આવડત છે. વિષય પર તેમની દૃષ્ટિ અને રજુઆત તેમના અભ્યાસ કરતાં વધુ આકર્ષક હોય છે. તેઓ ભાષણ કરે છે ત્યારે અવાજ બુલંદ બને છે, વાણી મંદ ને ગંભીર વહે છે, ઉપાડ આકર્ષક ને રમુજી હોય છે, અને શૈલી છટાભરી ને મોહક બને છે. પ્રસ્તુત વિષય ઉપર મુદ્દાસર બોલતાં તેઓ પોતાના સિદ્ધ વક્તૃત્ત્વથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે, અને પોતાના જ મતના બનાવી દે છે.