પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા
૮૭
 


અને લેખક તરીકે પણ તેમની વિવિધતા ક્યાં ઓછી છે ? સાહિત્યને ઓવારેથી મુખ્યત્વે તો તેમને સાહિત્યસેવક તરીકે જ આ લેખકે નિરખવા રહ્યા, પણ ‘ઓવારેથી’ નિરખતાં નિરખતાં ચંદ્રશંકરના વ્યક્તિત્વનાં અનેક ઘડતરનાં અનેક અંગો પણ દૃષ્ટિમર્યાદામાં આવી ગયાં. તેઓ નિબંધકાર ને રેખાચિત્રકાર છે, કવિ અને વિવેચક છે, પત્રકાર અને નવલિકાકાર છે. તેમના લેખોમાં મનસુખરામની પાંડિત્યયુક્ત ભાષાની અને ગોવર્ધનરામની ‘બલવતી અને શિષ્ટ’ શૈલીની ઝાંખી થાય છે. તેમાં પ્રસાદ અને ઓજસ હોય છે, તથા માધુર્ય અને મનોહારિતા હોય છે. તેમનું લખાણ ‘સિદ્ધ સાક્ષરના જેવું’ લાગે છે; ને સહૃદયતા, ગુણગ્રાહિતા અને પ્રસન્નતાથી અંકિત હોય છે.

તેમની કવિતા મુખ્યત્વે પ્રચલિત રાગોમાં–દેશીમાં કે માત્રાબંધમાં–જ હોય છે, છતાં તે ‘પ્રસાદ અને માધુર્ય’ થી વાચકને મુગ્ધ કરે છે. પ્રભુશ્રદ્ધા, પ્રકૃતિપ્રેમ, સ્નેહભાવના અને રાષ્ટ્રભક્તિ તેના મુખ્ય વિષયો છે. તેમનાં પ્રખ્યાત સ્નેહગીતો ‘દંપતીજીવનનાં પ્રેરિત અને પ્રેરક’ છે. તેમનાં આ છૂટાંછવાયાં કાવ્યોનો ‘સ્નેહાંકુર’ અને ‘કાવ્યકુસુમાંજલિ’ નામે કૃતિઓમાં સંગ્રહ થયેલો છે. ‘એક રવિકિરણ પણ તેજઃપુંજ રવિ જેટલું જ ઉત્કૃષ્ટ છે’ એ માન્યતાએ તેમનાં અલ્પસંખ્યાંક કાવ્યો પણ બહુધા સાચા કવિત્વથી અંકિત છે. તેમાં દલપતરામની સરળતા ને પ્રવાહિતા છે, અને કલાપીની ભાવમયતા ને ઊર્મિલતા છે. તેમનાં સાદાં અને મીઠાં કાવ્યો ખરેખર મનોરંજક અને હૃદયસ્પર્શી છે, અને તેથી ખૂબ પ્રચાર પામે છે. ઇ. સ. ૧૯૩૦–’૩૨ના સત્યાગ્રહ સમયમાં તેમનાં કેટલાંક રાષ્ટ્રગીતો ખૂબ લોકાદર પામ્યાં હતાં, અને વ્યાપક રીતે કંઠસ્થ પણ થયાં હતાં.