પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સાહિત્યને ઓવારેથી
 


સાક્ષરો ને સાહિત્યકારોનો સહકાર મેળવ્યો; ભાસિક પત્રિકા આરંભી, ને કાર્યનું મંગળાચરણ કર્યું. છતાં યે પરિષદે આ દિશામાં ન કરી કોઈ સંગીન પ્રવૃત્તિ, કે ન ધરી કોઈ વ્યવસ્થિત યોજના. નિરાળી ને નિદ્રાશીલ પરિષદ આમ પરપ્રાંતીય વિદ્વાનની, પ્રેરણાથી યે ન હાલી કે ન જાગી ! તો પછી એક પ્રમાણભૂત વ્યાકરણગ્રંથના કે અભ્યાસીઓનો માર્ગ સરળ કરે તેવા અધ્યયનગ્રંથોના (Reference Books) પ્રકાશનની તો વાત જ શી કરવી !

અને પરિષદ્‌, તારા ગુજરાતનો કવિતાપ્રદેશ તો જો. નાનાં કાવ્યો ને નાનકડા કવિઓ ! એક દાયકાથી આ પ્રદેશ વધુ ફળદ્રુપ બની રહ્યો છે. કોયલડીનાં ગીત કે વસંતને વધામણાં વિસારે પડે છે, અને પ્રજાજીવનની વાસ્તવિકતાઓ ને પીડિતોની હાયવરાળ આગળ આવે છે. આ સત્ય હકીકત સંતોષજનક છે, તો યે કાળને કાંઠે તો આજના તરુણ કવિઓ વામનો ને વેંતિયાઓ દીસે છે. જાગૃતિયુગનો સર્જનાર, નવઉત્થાનની પ્રેરણા પાનાર, લોકજીવનને ઉજાળનાર, ગાઢ તિમિરમાંથી જ્યોતિના પંથે દોરનાર, એક જ ચિનગારીથી સમગ્ર ગુજરાતને પ્રકાશમય કરનાર ‘મહાનલ’ સરખો મહાકવિ આજે ગુજરાતમાં ક્યાં છે ? નાના કવિઓમાં આજે કવિ ન્હાનાલાલ ‘નાના’ છતાં મોટા બની ગુજરાતનું પાણી સાચવે છે, ને મહાકાવ્યો સમાં નાટકોથી ને અદ્‌ભુતસુંદર કવનોથી કાવ્યપ્રદેશની સરસતા ટકાવે છે. મહાભારત અને રામાયણ સમાં વિપુલ વીરકાવ્યો બાજુએ રાખીએ, તો યે રઘુવંશ ને કુમારસંભવ જેવાં ય મહાકાવ્યો ગુજરાતમાં ક્યાં છે ને કેટલાં છે ? કિસાનો ને કારીગરોનું ડિંડિમ પીટાવતાં, ગુજરાત, તને ભાવિના