પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સાહિત્યને ઓવારેથી
 

આનંદ છે, ને બ્રહ્મૈક્ય માણતી ઉલ્લાસભરી મસ્તી છે. આ ધર્મમૂલક કવિતામાં આવેલાં સ્વર્ગ-નરકનાં ને પાપ-પુણ્યનાં વર્ણનો, તથા તેની નૈરાશ્યભરી નિષ્કામ વૃત્તિ માટે શ્રી. મુનશી પોતાના વિવેચનમાં વિષાદ દર્શાવે છે. પણ આવો વિષાદ તે યુગપરિવર્તનનો જ પ્રતાપ છે. ધાર્મિક સાહિત્યના સ્રષ્ટાઓનાં મૂલ્ય તેમની જ યુગતુલાએ અંકાવાં જોઈએ, નહિ કે વર્તમાન યુગની તુલાથી. વિશેષમાં, ધાર્મિક કવિતામાં આવતાં ઉલ્લાસ– રહિત, ભયપ્રેરક કે નૈરાશ્યપૂર્ણ વર્ણનોને અતિશયોક્તિભર્યા અર્થવાદ તરીકે સાહિત્યવિવેચક ઘટાવી શકે છે. કારણકે આ ધાર્મિક સાહિત્યનું અંતિમ ધ્યેય તો માનવજીવનને ધન્ય બનાવતો બ્રહ્મનો આનંદ છે; નહિ કે ભય, નિરાશા કે વૈકલવ્ય. વળી, સદીઓ થયાં ભારતવાસીઓનું વલણ પ્રાંતેપ્રાંતે ભક્તિ–જ્ઞાન તરફ જ હતું; અને આજે પણ ભારતવર્ષ તેના ઉચ્ચ તત્ત્વજ્ઞાન માટે જગતભરમાં જાણીતું છે. તો પછી પ્રજા–જીવનમાં વ્યાપી રહેલી તત્ત્વનિષ્ઠ વૃત્તિ તેના કવિઓના કવનમાં ઉતરે તેમાં શાને આશ્ચર્ય કે ખેદ થવો જોઈએ ? તુલનાત્મક ને ઐતિહાસિક દ્રષ્ટિવાળા વિદ્વાન્ વિવેચક કદીયે પક્ષપાતયુક્ત વલણ વડે ન્યાયને કલુષિત થવા ન દે. અને ઉપર જણાવેલા કવિઓનાં કાવ્યોમાં પણ શ્રી. મુનશીની ઉલ્લાસપૂર્ણ દ્રષ્ટિને પસંદ પડે તેવું કેટલુંક તો હોય છે જ ને ?

સંક્ષેપમાં, છોટમ કવિ થયા ત્યારે તેમનો માનીતો ધાર્મિક સાહિત્યનો યુગ તેના છેલ્લા શ્વાસ લેતો હતો. છોટમે તેને કાવ્ય-અંજલિ વડે સજીવન કરવા પ્રયત્ન કર્યો, પણ વસ્તુતઃ તો દયારામના અવસાન પછી આવા સાહિત્યનો અસ્ત જ થતો હતો. નવયુગની ઉષા કવિ છોટમને ઉલાસપૂર્ણ કે ઉદાત્ત ન લાગી, પણ ઝાંખી ને ક્લેશકર જણાઈ.