પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
સાહિત્યને ઓવારેથી
 


સ્થૂલ વિલાસને ઝંખતો કવિનો સ્નેહ ક્રૂર જગતના હાથે ક્ષણ ભર પરાભવ પામે છે, અને નિરાશાને વરે છે. અંતે એ નિરાશા કવિને ચિંતન–મંથનને માર્ગે દોરી જાય છે, અને તેથી તેનો પ્રેમ ‘માયિક’ મટી ‘અનલક્કક’ ને સ્વીકાર કરે છે. આ ભિન્ન સંયોગોમાં યે કલાપીને ઇશ્ક લાધે છે, માશુક મળે છે, અને અનલ–હક્કનો અનુભવ થાય છે. પણ આ પ્રેમ કોઈ ઉચ્ચ પ્રકારનો હતો, દૈવી ને પાવન હતો. તેની પ્રબળ ને અનિવાર્ય અસર અનુભવતાં કવિ આખા વિશ્વને પ્રેમથી જ છલોછલ ભરેલું દેખે છે. મસ્ત બની તે કહે છે કે:

“જો ઈશ્ક ના તો શું ખુદા ? આલમ કરી તો યે ભલે,
જો ઈશ્ક ના તો શું જહાં ? એને ખુદાએ શું કરે ?
XXX
એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા,
એ લાખમાંના એક પણ જુદાજ કૈં ઘેલા હમે ?”
(ઇશ્કનો બન્દો)

આમ કલાપીની ગઝલો માધુર્ય, ઊર્મિ, મસ્તી, નિરાશા, સ્થૂલ અને દિવ્યપ્રેમ: આ બધાં તત્ત્વોથી અંકિત છે. તેમાં વ્યક્ત થતી કવિની ઘેલછા ને આવેશ તેના જીવનને અને કવનને પારદર્શક અને કમનીય બનાવે છે.

કલાપી એ યુવાન કવિ હતો, ને યુવાનોનો જ માનીતો કવિ બન્યો. તેની કવિતામાં હૃદયની નિખાલસતા છે, ભાવની કોમળતા છે, અર્થની સ્પષ્ટતા છે, સુંદર શબ્દચિત્રો છે, ને ભાષાની પ્રવાહિતા છે, જે હૈયે તે હોઠે, અને તે જ કલમે : એ તેનો સ્વયં–સ્વીકૃત સિદ્ધાંત છે. કાન્તના શબ્દોમાં કહીએ તો “કલાપીનો કેકારવામાં મધુરતા છે, મૃદુતા છે, સરલતા છે, ઉદારતા