પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે

‘ચરોતરની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના પ્રાણ’સમા શ્રી. મોતીભાઈ નરસિંહભાઈ અમીન લગભગ અર્ધી સદીથી ગુજરાતના આ નાનકડા પ્રદેશની અનેકવિધ પ્રગતિના સાક્ષી છે એટલું જ નહિ, બલકે મુખ્યત્વે તેના પ્રેરક અને પોષક પણ છે. ગુજરાત જ્યારે મહર્ષિ દાદાભાઈના સેવાકાર્યથી અને ફિરોજશા મહેતાની સિંહગર્જનાથી વિસ્મય પામતું હતું, ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનો ચરોતરના કેટલાક યુવકોને નવીન પ્રેરણા આપી તેમનામાં સેવાની તમન્ના પ્રગટાવતાં હતાં. વડોદરાના રામજી મંદિરમાં આવેલું હાલનું ‘ચરોતર બોર્ડિંગ’ ત્યારે ‘સરસ્વતી બોર્ડિગ’ ના નામે ઓળખાતું. આજથી લગભગ પચાસ વર્ષ ઉપર ઈ. સ. ૧૮૮૫ માં આ બોર્ડિંગ સ્થપાયું હતું, અને તેના પ્રારંભમાં વિદ્યાર્થીઓ ગૃહપતિ વિના સંઘબળથી જ ભેગા રહેતા, અને યુગનાં આંદોલનો ઝીલતા. આજે પણ તે વિદ્યાર્થીઓના નિવાસસ્થાન તરીકે ચાલુ રહ્યું છે. શ્રી. મોતીભાઈ સાહેબ પોતે આ વિષે લખે છે કે: “સને ૧૮૯૦ થી ’૯૮ સુધીનાં વર્ષોમાં જે વિદ્યાર્થીઓ અત્રે રહેલા, તેમના સંઘબળ અને સંખ્યાને કારણે તેઓ ‘ધી થર્ટીં–ફાઈવ’ (પાંત્રીસ) ના નામથી તે વખતમાં જાણીતા થયેલા. આ વિદ્યાર્થીઓ કોઈ ગૃહપતિ કે બંધારણ સિવાય પણ પરસ્પર સહાય આપતા, એક બીજાનું માન સાચવતા; સંપ, સહકાર અને શાંતિથી રસોડાની, રમતોની અને બીજી પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરતા; પુસ્તકાલયો અને વાચનાલયોની પ્રવૃત્તિઓમાં રસ લેતા; સભાઓ ભરતા, અનેક વિષયોની ચર્ચા કરતા; ગ્રામસુધારણાના અને દેશસેવાના અનેક