પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સાહિત્યને ઓવારેથી
 


ગુજરાતની આધુનિક, ગૌરવવંતી અને સતત વૃદ્ધિગત થતી અગાધ વિદ્વત્તાના અગ્રગણ્ય પ્રતિનિધિઓમાં તરી આવે તેવી ત્રણ વિદ્યમાન વ્યક્તિઓ છે: દી. બ. કેશવલાલ ધ્રુવ, પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ અને પ્રો. બ. ક. ઠાકોર. અન્ય કોઈને અવિદ્વાન તરીકે ઉવેખવાનો અહીં હેતુ નથી; આટલું તો માત્ર ગણનારૂપે જ. જીવનભર વિદ્યાવ્યાસંગ કર્યો હોય અને તેનો જ અપ્રતિમ રસ માણતાં માણતાં જેમણે જીવન વ્યતીત કર્યું હોય, તેવા આ ત્રણ વિદ્વાનો આજે પણ ગુજરાતની સંસ્કૃત વિદ્વત્તાને શોભાવી રહ્યા છે. આનંદશંકરભાઈ મુખ્યત્વે તો સંસ્કૃતના જ અધ્યાપક રહ્યા, એટલે સંસ્કૃત વિદ્યાનાં તિલક કરતાં કરતાં તેઓ ‘વન’ વટાવી ગયા. સંસ્કૃતના સંગીન જ્ઞાન માટે તેમણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃત વિષયક શિક્ષણપદ્ધતિઓ જાણી લીધી છે. શ્રીમંત પિતાના આ વિદ્યાવિલાસી પુત્રે શાસ્ત્રીય રીતે સંસ્કૃત વિદ્યાને સેવી તેનાં વિશેષ મૂલ્ય આંક્યાં, પૂર્વના સાયણ અને પશ્ચિમના મેક્સ મૂલર જેવા પંડિતોના મતોનો સમન્વય કર્યો, અને હંસવૃત્તિથી યોગ્ય અને અયોગ્યનો, સત્ય અને અસત્યનો વિવેક કર્યો.

આનંદશંકરભાઈ આજે તો પ્રિન્સિપાલ તરીકે બહુ પ્રખ્યાત થયા છે, એટલે વિદ્યાપીઠની પરિભાષા પ્રમાણે તો આચાર્ય કહેવાય. પણ, ગુજરાતમાં તો તેઓ ગુજરાત કોલેજના પ્રોફેસર તરીકે જ જાણીતા થયેલા છે, એટલે હું તેમને અધ્યાપક તરીકે જ વિશેષ ઓળખાવીશ.

આ સમર્થ વિદ્વાનની અભ્યાસવૃત્તિ તે વેદોની આર્ષવાણીથી જકડાઈ ગઈ નહિ; પ્રાચીન પ્રણાલીના વૃત્રથી રૂંધાયેલાં એ સંસ્કૃત વિદ્યાનાં વિશુદ્ધ જળ નીરખવા તેમણે અન્ય વિદ્યાઓનો