પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સાહિત્યને ઓવારેથી
 


સમભાવ કેળવે, તો ગુજરાત નહિ જોયેલો કવિ જુએ, સાહિત્યને સમર્થ સાહિત્યસ્રષ્ટા મળે, રાષ્ટ્રને એક પ્રેરક ભક્ત મળે, ને તેમની આર્યસંસ્કૃતિનો સંદેશ ઘેરેઘેર ઝીલાય. તો જ તેમની કાવ્યચંદ્રિકા દરેક સહૃદય વાચકને આહ્‌લાદ આપે. કવિવર મહાગુજરાતની આ અભિલાષા ક્યારે પૂરી પાડશે ? સાહિત્યમાં ‘કુરુક્ષેત્ર’ સર્જતા આ કોડીલા કવિ જીવનનું કુરુક્ષેત્ર ક્યારે મિટાવશે ?

પણ આ ‘જો ને તો’ની કલ્પનાને બાજુએ મૂકીને વિચારીએ તોપણ જણાશે કે કવિ ન્હાનાલાલ એ અર્વાચીન યુગના મહાન સાહિત્યસરજનહાર છે, ને ભવ્ય આમ્રવૃક્ષ જેટલા મનોહર અને મધુર છે. કાણાને કાણો કહેવાની તેમની ઝનુની નીડરતાને લીધે ભલે તેમનાં મૂલ્ય આજે લોકદૃષ્ટિએ ઓછાં અંકાય; આવતી કાલે તો તેમની સુયોગ્ય કદર જ થશે. વિશ્વનિયંતા તેમની સહજ બુદ્ધિને અને ઉચ્ચ કવિત્વશક્તિને વરેણ્ય ભર્ગના ફુવારાથી વધુ નિર્મળ અને વધુ પવિત્ર બનાવે ! આવી ઉન્નત અભિલાષા સેવતી બૃહદ્ ગુજરાતની સાહિત્યજનતાનાં આ જ્ઞાને અને વયે વૃદ્ધ થયેલા યુગકવિને અનેકગણાં આદરભર્યાં વંદન હો !