પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા

સુપ્રસિદ્ધ સાહિત્યસેવાની તીર્થભૂમિ સમા નડિઆદમાં જન્મેલા, મુંબઈના વાતાવરણે રંગાયેલા, મુનશી કુટુંબમાં એક વખત મુરબ્બીપદ ભોગવતા, કવિ ન્હાનાલાલ આગળ નાના મિત્ર બનતા અને કેટલીક વખત સર પ્રભાશંકર પટ્ટણની પાંખમાં લપાતા એ ચંદ્રશંકર પંડ્યા. તેઓ નવીનતાના આશક છે, વિવિધતાના ભક્ત છે ને ગુણના પૂજારી છે. તેમનો સિદ્ધાંત તો આપવાનો અને લેવાનો. જ્યાં જાય ત્યાંના વાતાવરણથી તેઓ રંગાય અને બદલામાં પોતાનો રંગ દેવા પ્રયત્ન કરે. તેઓ પોતે કહે છે તેમાં લીંબુના રસ જેવો તેમનો સ્વભાવ ક્યાં નથી ભળી શકતો ? તેમની વેતસ્ વૃત્તિ, તેમનો સહજ આનંદ ને તેમની ગુણગ્રાહકતા તેમને ગમે ત્યાં પણ અમુંઝણ વિના સ્વસ્થ અને શાંત રાખી શકે છે.

પિતામહ મણિશંકર પંડ્યાના પ્રેરક વાતાવરણમાં છ બ્હેનોનો આ વીર જોતજોતામાં જ ઘરેલાડીલો ને નાતલાડીલો બન્યો, અને કુમાર અવસ્થામાં જ પ્રો. રમણલાલ યાજ્ઞિકના પિતા, –ચંદ્રશંકરના પોતાના જ ભાવિ વેવાઈ–કનૈયાલાલ યાજ્ઞિક, મનસુખરામ ત્રિપાઠી અને ગોવર્ધનરામે તેમને મહાભિલાષનાં જળપાન કરાવ્યાં. આ વિના બીજી એક વ્યક્તિની પણ અદીઠ અસર આપણા ચંદ્રશંકર ઉપર પડી. ઇ. સ. ૧૮૮૪માં તેમના પોતાના જન્મ પહેલાંજ સ્વ. છગનલાલ હરિભાઈ પંડ્યાનાં ભાવિ પુત્રી વસંતબા સાથે તેમનો ગર્ભવિવાહ થયેલો. આમ