પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સાહિત્યને ઓવારેથી
 


જન્મથી જ વિવાહિત હોવાનો હક્ક બાલક ચંદ્રશંકર ધરાવતા થયા. તેમને ચાનક દેવા ક્વચિત્ માતપિતા પણ આ બાળકને કહેતા: “તારા કરતાં તો તારી વહુ ઘણી હોંશીઆર છે.”

નડિઆદની નજીક આવેલાં ફૂલબાઈ માતા ઉપરની શ્રદ્ધાને ચંદ્રશંકરના જન્મનું નિમિત્તકારણ માની નાનપણમાં–અને કુટુંબમાં તથા ખાનગી મિત્રમંડળમાં તો જીવનભર–તેમને સૌ કોઈ ‘ફૂલીયો’ કહેતા. આ ફૂલીયાભાઈ નાનપણથી જ તેજસ્વી, તોફાની ને ટીખળી નાતમાં તેમજ ગામમાં ગણાવા લાગ્યા. એ તોફાન અને ટીખળ એવાં તો પ્રસિદ્ધિ પામ્યાં કે તેઓ ‘ફૂલીયા જમાદાર’ના નામથી ઓળખાવા લાગ્યા. સ્વ. ફૂલચંદ બાપુજી શાહ, અને શ્રી. પરધુભાઈ શર્માના સહાધ્યાયી ચંદ્રશંકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પણ વાચન, પઠન, નિબંધ કે વક્તૃત્વ માટે પ્રશંસા પામતા. હાઈસ્કૂલમાં સમર્થ સાક્ષર કમળાશંકર ત્રિવેદીના શિક્ષણનો પણ તેમને અનુપમ લાભ સંસ્કૃત પરત્વે મળેલો. કોલેજમાં પણ તેમના પ્રોફેસરો તેમના પ્રતિભાદર્શનને વખાણતા, અને તેમની વિચારસરણીને ‘તાઝગી–ભરી’ માનતા. બહુધા બહાઉદ્દીન કોલેજમાં જ ભણેલા આ ચાલાક કોલેજીઅનના શ્રી. અંબાલાલ જાની, સ્વ. નૃસિંહદાસ વિભાકર, પ્રો. કાન્તિલાલ પંડ્યા, અને શ્રી. જમનાદાસ માધવજી મહેતા જૂનાગઢમાં સમકાલીન વિદ્યાર્થીઓ હતા.

કોલેજના જુનીઅર બી. એ. વર્ગમાંથી જ અર્થાત્‌ ઈ. સ. ૧૯૦૫થી જ વસ્તુતઃ તેઓ ‘સમાલોચક’ના તંત્રી હતા, અને ‘સુમનસંચય’ વિભાગમાં સંસ્કૃત શ્લોકોનું ભાવકથન કે રસાસ્વાદન ‘તન્મય’ ઉપનામથી લખતા. ઇ. સ. ૧૯૦૬માં લોજીક અને ફીલોસોફી લઈને બી.એ. ની પરીક્ષા તેમણે પાસ કરી. બીજે જ