પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર પંડ્યા
૭૯
 


તેમની મહત્વાકાંક્ષાનો રાહુ મનાય છે ને ક્વચિત્‌ સ્નેહીઓની સાચી સહાનુભૂતિ પ્રગટાવે છે. પણ એ તો સત્ય જ છે કે દમના આક્રમણથી જ આ ગર્ભશ્રીમંત, પ્રતિભાશાળી તથા સેવાભાવી કાર્યકર્તા અને સાહિત્યસેવકની શારીરિક ને માનસિક શક્તિઓ ક્ષીણ થતી ગઈ; અને અકાળે તેમને પોતાનું જાહેરજીવન સંકુચિત કરી અંતે સંકેલી લેવું પડ્યું. જો ચંદ્રશંકરભાઈ આમ દમનો ભોગ ન બન્યા હોત તો રાજકારણ, સમાજસુધારો, સાહિત્ય તથા ધર્મના ક્ષેત્રોમાં તેમણે કેવી અને કેટલી આકર્ષક ભાત પાડી હોત ! પણ સત્ય વસ્તુસ્થિતિ સામે આમ કલ્પનાના ઘડા દોડાવવા તે નિરર્થક છે !

આમ ઈ. સ. ૧૯૧૮થી ચંદ્રશંકરભાઈનું જાહેરજીવન કરમાવા લાગ્યું અને સાર્વજનિક પ્રવૃત્તિઓ સાથે સાહિત્યસેવા પણ સુકાવા લાગી. પણ આ બધું કાંઈ એકદમ નથી બન્યું. મંદમંદ ગતિએ ક્રમશઃ આ સૌ બનતું ગયું છે. જાહેરજીવન અને લોકકીર્તિ ચંદ્રશંકરથી પરાઙ્‌મુખ થઈ પરવરતાં જણાય છે, અને રોગગ્રસ્ત આ સેવક આકર્ષણવશ બની અહંભાવથી તેમનો પીછો પકડે છે. રોગને લીધે તેમની કાયિક, વાચિક અને માનસિક શક્તિઓ જ્યારે ઓસરતી ગઈ ત્યારે પણ સેવાભાવના અને યશોવાંછા તો તેમની હતી તેવી ને તેવી જ રહી. અશક્તિમાન માનવી સમય ઓળખી કોઈ કાર્યમાંથી નિવૃત્ત થવા જેટલો સાધુ બને છે એમ શાણા સંસારીઓ કહે છે. રોગથી અશક્ત બનેલા ચંદ્રશંકરને આવા સાધુ બની જવાનો રાહ ન ગમ્યો; પણ શક્તિહીનતાએ તેમનામાં પરાક્રમનું ઝનૂન પ્રગટાવી તેમના અહંભાવને અને કીર્તિલોભને પોષણ આપ્યું. શક્તિથી વંચિત બનેલા પણ સેવા અને યશની ઝંખના કરતા