લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ
[ ૧ ]


સાહિત્યને વિવિધ દૃષ્ટિએ નિહાળવામાં આવે છે. એ સર્વ પ્રકારની દૃષ્ટિ પાછળ કોઈ ને કોઈ વિશિષ્ટ માન્યતા રહી હોય છે, જે દૃષ્ટિભેદનું મૂળ કારણ છે.

કોઈ માન્યતા એવી જ હોય છે કે સાહિત્યકાર જન્મસિદ્ધ જ હોય : સાહિત્યકાર એ ઘડ્યો ઘડાતો નથી: Poets are born, not made. એ અંગ્રેજી કથનના પડઘારૂપ એ માન્યતા. આ માન્યતા જો સોએ સો ટકા સાચી હોત તો કુદરત જરૂર સાહિત્યકારોને જન્મથી જ કોઈ વિશિષ્ટ ચિહ્ન આપત. પરંતુ આપણે જાણીએ છીએ કે સાહિત્યકારોના જન્મ સમયે દેવનાં દુંદુભિ વાગતાં નથી, ગાંધર્વ કિન્નરો ગાતા નથી અને અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા આકાશમાં ઊડી આવતી નથી. સામાન્ય બાળકોની માફક સાહિત્યકાર પણ રોતો રોતો અવતરે છે ! સાચી વસ્તુ એટલી જ કે જીવનનાં અનેક વલણોમાંથી સાહિત્યકાર સંયોગવશાત્‌ સાહિત્ય તરફ વળે છે. સાહિત્ય પણ એક માનવસંસ્કાર વલણ છે.

વળી એવી પણ એક માન્યતા છે કે સાહિત્ય અતિ વિદ્વત્તા માગે છે, કુશાગ્ર બુદ્ધિ માગે છે, ઊર્મિ અને શુદ્ધિની અજબ ઝમક માગે છે. આપણાં બેત્રણ મહાકવિઓ સંબંધી પ્રચલિત દંતકથાઓ વિચારીશું તો આપણને દેખાઈ આવશે કે આ માન્યતા પૂરેપૂરી સાચી નથી. મહાકવિ કાલિદાસનું બાળપણ અને કૌમાર મૂર્ખાઈનો નમૂનો હતું, એમ એક માન્યતા છે. આપણો ગુર્જર મહાકવિ પ્રેમાનંદ બાલ્યાવસ્થામાં મૂઢપણાનો પરચો આપતો હતો. લાલિત્યઅવતાર સરખો દયારામ વર્ષો સુધી રખડેલ રહ્યો અને એ રખડપાટમાંથી બનારસના વિશ્વનાથનું દર્શન એને કવિતા સ્ફુરાવી શક્યું. નરસિંહ મહેતા જીવ્યા ત્યાં સુધી મહાબુદ્ધિશાળી નાગરી ન્યાતને એની બુદ્ધિ માટે માન હોય એમ દેખાયું નથી. અમુક