પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : સાહિત્ય અને ચિંતન
 

પ્રકારની વિદ્વતા કે બહુશ્રુતપણું સાહિત્યને ઉપયોગી થઈ પડે છે એ ખરું; કુશાગ્ર બુદ્ધિ સાહિત્યને અને સાહિત્ય કરતાં સાહિત્યના વિવેચનને સ્પષ્ટતા આપે એ પણ સાચું. ઊર્મિની ઝમક સાહિત્યને સાચા રણકારવાળું બનાવે એ આપણે સ્વીકારીએ. પરંતુ વિદ્વત્તા, બુદ્ધિ કે ઊર્મિનું ઊંચામાં ઊંચી કક્ષાએ મિશ્રણ થયા વગર સાહિત્ય જન્મે પણ નહિ એમ માનવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસની વિદ્વત્તા આજે પણ પ્રશંસા પામે એમ છે. પરંતુ તેથી જ એમને કવિ–સાહિત્યકાર કહી શકાય નહિ. પરંતુ એમનાથી કદાચ ઓછા વિદ્વાન એમના ભાઈ છોટમ ‘કવિ’ હતા; વ્રજલાલ કવિ નહિ. અમદાવાદના અનેક શેઠિયાઓ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, પરંતુ તેઓ સાહિત્યકાર થવાને બદલે સાહિત્યકારોને વેચાતા રાખી શકે એવી ધન–ઉપાર્જનની જાદુઈ કલામાં પ્રવીણ બનેલા હોય છે. સર ચિનુભાઈ કે અંબાલાલ સારાભાઈનાં પુસ્તકાલયો કોઈપણ સાહિત્યકારનાં પુસ્તકાલયો કરતાં વધારે સમૃદ્ધ હશે જ. પરંતુ એમના નામ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ માં હજી આવ્યાં હોય એમ દેખાતું નથી; અને સાહિત્યકારમાં તેમની ગણના ન થવાથી તેમને દુઃખ થયું હોય એમ પણ જાણવામાં નથી ! વળી ઊર્મિનું છલાછલપણું એ જ જો સહિત્યનું એક લક્ષણ હોય તો પ્રત્યેક રડકણી છોકરીને આપણે કલાપીની હારમાં બેસાડી દેવી પડે; કૉલેજમાં ભણતા પ્રત્યેક યુવકને ‘દિલદારનાં દર્શન વિના બીજુ મને ગમતું નથી’ એમ ગાતા મસ્ત કવિ બાલની સાથે મૂકવો પડે; અને પ્રત્યેક વઢકણા પુરુષને બળવંતરાય કે નાનાલાલનું આસન આપી દેવું પડે. સાહિત્ય માટે વિદ્વત્તા, અતિ તીવ્ર બુદ્ધિ કે ક્ષણેક્ષણે હાલી ઊઠતી ઊર્મિ ચોવીસે કલાક માટે આવશ્યક હોય એમ માનવાની જરૂર નથી. સાહિત્ય પ્રભુ દીધી પ્રસાદી છે કે કુદરત દીધી કરામત છે એમ કહેતી વખતે સાહિત્ય એ માનવહૃદયની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને સાહિત્યકાર એક Normal – સમધારણ માનસવાળો માનવી છે એ ભૂલવાની જરૂર નથી. જન્મથી જ સાહિત્યકાર હોવાનો દાવો સાહિત્યકારોને નિરર્થક ચડાવી મૂકે છે અને ફાંટાબાજ બનવા પ્રેરે છે. Superiority Complex – મોટાઈભર્યું માનસ એ સાહિત્યકારને