પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દષ્ટિએ : ૫
 

દૂષિત કરે છે અને સાહિત્યથી સચ્ચાઈના રણકારનો લોપ કરી દે છે. કોઈ કવિતા કે કશી નવલકથા લખી એથી સાહિત્યકારને મિલઓનસ એસોસિયેશન, નેશનલ કોંગ્રેસ કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પ્રમુખ સ્થાન આપવું જ જોઈએ એમ સાહિત્યકારે માની લેવાની જરૂર નથી. કવિતા લખી પોતાની બહુ મોટાઈ માનનાર એક કારકુને કવિતા ન લખનાર ઉપરી સાથે પોતાની મોટાઈ આગળ કરી ઝઘડો કરી નોકરી ખોયાનું મેં જોયેલું દૃષ્ટાંત સાહિત્યકારને માટે શોભાસ્પદ ન જ કહેવાય.

સાહિત્ય કે સાહિત્યકારને ઉતારી પાડવા જેવાં આ કથન પાછળ એક બે ઉદ્દેશ રહેલા છે : સાહિત્ય એ માનવ સંસ્કારનું મહાસંચલન: પરંતુ એ એકલું જ મહા સંચલન નથી એમ સાહિત્યે સમજવું જોઈએ; અને સાહિત્યકાર એક વિશિષ્ટતાભરી વ્યક્તિ હોવી છતાં ઐતિહાસિક માનવ બળો જ એને ઘડે છે એમ સમજી એણે જનતા પ્રત્યે ઘમંડને બદલે સમાનતાતી ભાવના જ કેળવવી જોઈએ. સાહિત્યકારની વિશિષ્ટતા સામાન્યતાનો અર્ક છે એમ ઓળખવાથી સાહિત્યકાર વધારે સાચો, વધારે વ્યાપક અને વધારે ચિરંજીવી સંસ્કાર પ્રતિનિધિ બની જાય છે. સામાન્યતા અને સાહિત્ય વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે.

સાહિત્યને, સાહિત્યકારને જનતા ભલે માન આપે. એ માન એવા પ્રકારનું હોવું ન જ જોઈએ કે જે સાહિત્યકારને જનતાથી અતિ ઊંચો દેવ બનાવી મૂકે. સાહિત્યકાર સામાન્યતા પ્રત્યે જ્યારે તુચ્છતા અનભવે ત્યારે એ જનતાનો પ્રતિનિધિ બનતો અટકી જાય છે. ધનવાન, વિદ્વાન, સત્તાવાન, ગુણવાન, કે રૂપવાન માનવી જ્યારેજ્યારે પોતાની સંપ્રાપ્તિનું અભિમાન સેવી અને આક્રમક વિકાસ કરે છે ત્યારેત્યારે તે માનવી મટી રાક્ષસ બની જાય છે. સાક્ષર પણ એક માનવ તો છે જ. એની સાક્ષરતાનું અહં બીજાઓને ભોંકાય એવું આરાવાળું, ધારવાળું બની જાય ત્યારે સાક્ષર પણ એક રાક્ષસ બની જાય છે. અહંકાર એટલે જ અહંનું આક્રમણ. એ વ્યક્તિમાં હોય કે પ્રજામાં હોય; એ કલાકારમાં હોય કે સાધુમાં હાય; આક્રમણ સર્વથા વિકાસવિરોધી બળ બની જાય છે. સાહિત્યથી, સાહિત્યકારથી વિકાસવિરોધી