પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨ : સાહિત્ય અને ચિંતન
 

ભીરુ હિંદુ એ જ ગીતાને, એક મહા દુશ્મન છે. કોઈ પરધર્મી, આ હિંદુ નહીં.

આમ આ મહાગીત ક્ષુદ્ર સ્નેહ, સ્વાર્થી કારુણ્ય, ભીરુ મનુષ્યત્વ અને કાયર સાધુત્વની એક પણ શ્રુતિને ઓળખતું નથી. એ મહાગીતમાં સ્વાર્થત્યાગની, સાચા સ્વાતંત્ર્યની, મૃત્યુજિત અહિંસાની અને મોહજિત સ્નેહની પ્રલંબ, ઉત્તેજક, વીરશોભન સૂરાવિલ છે. એ સૂરાવલિ આપણે ભૂલ્યા અને આપણું પતન થયું, પાછું આરોહણ ઇચ્છીએ તો ગીતાને સાંભળીએ અને ગીતા ગાઈ સૂરતાલ પ્રમાણે આપણે આપણા પગ ઉપાડીએ. એ સૂર, એ તાલ આપણને અગ્નિ ઉપર–અરે અગ્નિમાંજ ચલાવશે. એ અગ્નિ ભર્યાં માર્ગમાંથી આપણે એવા સ્થાને જઈશું કે જ્યાં

मुक्तं शुभांल्लोकान् [१८-७१]

ની સાચી સ્થાપના હશે.

હિંંદુઓએ, આર્યો એ પોતાને માટે, માનવજાતને માટે, અરે ભૂતમાત્રને માટે ગીતાબોધ્યું સંગીત સાંભળવાનું છે, એ ગીતામાં જીવવાનું છે, એ ગીતના તાલ પ્રમાણે પગ મૂકવાના છે. આર્યોએ પોતાના ધર્મને કશું નામ આપ્યું નથી. હિંદુ શબ્દ પણ પરદેશીઓએ દીધેલો શબ્દ છે. મુસ્લિમોના આવ્યા પછી આપણે એ નામ ભલે સ્વીકારી લીધું હોય. અંગ્રેજોના આક્રમણમાંથી ઉદ્ભવેલી વસતિગણતરીમાં આપણે ભલે હિંદુ ધર્મને આપણો ધર્મ ગણ્યો. ખરું જોતાં આર્યતાને ઓળખાવતા કોઈ નામ ચિન્હધારી ધર્મ જ નથી. તિલક માળા છાપાંમાં સંપ્રદાયો સમાયા છે, આર્યતા-આખી આર્યતા નહિ. સર્વ પ્રગતિ, સર્વ સંસ્કાર, સર્વ શુભ ભાવનાને પોતાનાં બનાવતો આ ધર્મ માનવધર્મ છે. એ માનવધર્મ સંગીતમય છે, જીવવા માટેનો ધર્મ છે, હૃહ્દયના ધબકારાને જીવનતાલ શીખવતો ધર્મ છે, સમગ્ર દેહનાં હલનચલનને પ્રગતિમય બનાવતો એ ધર્મતાલ છે. કૃષ્ણે ગુંજેલી ગીતા એ આર્યધર્મની અસ્તાઈ. એની આસપાસ