પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
112
સમરાંગણ
 

 લોમા ખુમાણે વજીરને ખભે હાથ મૂકીને કહ્યું : “તમે કાંઈ દખ ન ધરજો. આ તો હું તમારે કાને નાખવા પૂરતો જ આંહીં થઈને નીકળ્યો છું. મારા અંતરમાં એનો જરીકે ડંખ કે ડાઘ નથી, હોં જેસાભાઈ ! અમસ્થોય મારે તો હાથી ખેરડી લઈ જઈને બે-ચાર દી મારા કાઠી જુવાનોને રાજી કરવા’તા. મારા વાટકડીના શિરામણમાં હારો એક ખોરાક ખાનારો હાથી ક્યાં સમાવાનો હતો ? અમારે કાઠીભાઈને પાછી અંબાડી મોંઘી પડી જાત. હું તો ચાર દી પછી આમેય તે આવીને હાથી નગરને હાથીખાને જ બાંધી જાત. મારા કટકને ય મેં તો આમ જ ફોસલાવી લીધું છે કે આપણે હાથીના પડારા ન હોય, આપણે તો કુંવર અજાજીને હાથગરણામાં આપવાનો જ છે એ હાથી. તો પછેં આજથી જ ભલેને એ નગરનું આંગણું શોભાવતો !”

વૃદ્ધ વજીરની આંખો તો અંધારાના કાદવમાં પેસી જઈ ધરતી ખોતરતી રહી.

“આમ ઊંચે જુઓ, જેસા વજીર !” લોમા ખુમાણે વૃદ્ધનું મોં હડપચીથી ઊંચું કર્યું. “મારે ગળે હાથ ! રાત જેવું ધાબું છે. તમને લેશમાત્ર વલોપાત કરાવવા આ અધરાતે નથી જગાડ્યા. આપણી બે વચ્ચેની જ વાત છે – દાટી દેવાની છે. નવાનગર અને ખેરડીનો તો સગા બાપદીકરાનો સંબંધ જાણજો. ને તમારી ઓલી રસ્તાવાળી ચર્ચા તો મારા કલેજાને માથે કાળની લેખણે કોતરાઈ ગઈ છે, કે હાથી-ઘોડાની અને સોનારૂપાની ધૂળ જેવી વાતો હવે આપણને ન શોભે. હવે તો આવતી કાલની તૈયારી કરીયેં. બરાબર છે. મને કાળી રાતે પણ તમારો જાણજો. મારે માથે ય સૂરજકુળ છે હોં, જેસાભાઈ ! લ્યો, રામ રામ !”

“રામ રામ, કાઠીરાજ ! વધુ તો શું કહું ? મારાં ધોળાં સામે જોઈને માફ આપજો.”

“બોલો મા, બોલો મા.” એટલું કહીને ખુમાણે પોતાની ફોજ હંકારી.