પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
130
સમરાંગણ
 


જરજવાહિરોની લૂંટ કરતા જડ્યા. સુલતાનની પાસે આવીને લોમા ખુમાણે એ લૂંટનો કેટલો હિસ્સો સોંપ્યો તે તો માલૂમ નથી, પણ એક શાણી શિખામણ તો બરાબર દીધી કે “બાપ, ભદરનું તખત તો આજ છે ને કાલ્ય નથી, તખત કાંઈ ભેળું થોડું ઉપાડી જવાશે ? માટે તારા સારુ થોડી ખરચી જોગવવા એક ફેરો મારી આવ્યા. ધરવ થઈ ગયો. હવે પાછું પરિયાણ કરવું પડે તો ય વાંધો નહિ.”

“અરે લોમાભાઈ !” મુઝફ્ફરે અફ્સોસ ગુજાર્યો. “આપણી તો બેસતી જ બાદશાહી કહેવાય. લૂંટ ન થઈ શકે.”

“લૂંટ તો શુકન છે, બા, શુકન. આ અઢી હજાર કાઠીઓ લૂંટને જ સાચું શુકન સમજે છે. આ લૂંટ કેને માટે છે ? તારે જ માટે, મારા બાપ ! ને હજુ દુશ્મનના ઝપાટા તો આવતી કાલ જોવા પડશે. અઢી હજાર કાઠીઓનાં પાણીની તો હજી હવે જરૂર પડશે.”

સાચી વાત હતી. રાત્રિને ત્રીજે પહોરે જ ખબર આવ્યા કે બુઢ્‌ઢો ઇતમાદ જૂના સૂબા શાહબુદ્દીનને કડી મુકામેથી પાછો વાળીને ફોજ સાથે પાછો લાવે છે. શાહબુદ્દીન પાછો વળ્યો જાણીને મુઝફ્ફર ફરી એક વાર ફફડી ઊઠ્યો. લોમા ખુમાણે એને ડરાવ્યો : “આઠસો વજીરખાની સવારોની જે ટુકડી આપણો સાથ કરવા આવી છે, જેને તમે શહેરનો કબજો સોંપી દીધો છે, તે ટુકડી અસલ તો જૂના સૂબા શાહબુદ્દીનની ને ? તો તો શાહબુદ્દીનને પાછો આવતો જોઈ એ ટુકડી શાહબુદ્દીનની તહેનાતમાં ચાલી જશે ને ? તો આજની તાજપોશી પર ફરી પાછી ધળ વળી જશે. ને તમને ય પકડીને સોંપી દે તેનો શો ભરોસો ? વાસ્તે, હાલો બાપ, ભાગી નીકળીએ, તે વેલું આવે ખેરડી. ભાગવામાં એબ નથી. જીવતો નર ભદ્રા પામશે. ફરી પાછા ચડી આવશું. દિના ક્યાં દકાળ છે ? પણ આંહીં ભીંત હેઠ ભીંસાઈને શીદ મરવું ?”

એ શિખામણને સાંભળતો મુઝફ્ફર આકુળવ્યાકુળ થતો હતો. લોમાં ખુમાણે બતાવેલી બીક એને વજૂદવાળી લાગી. શાહબુદ્દીન પાછો આવે તો તો પછી આ વજીરખાની મુગલોને મારી શી ગરજ રહી ? બીજી બાજુ,