પૃષ્ઠ:Samarangan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
સમરાંગણ
 


જોરારજો કેર ?”

શબ્દો જાડેજી ભાષાના હતા. કચ્છી બોલીના એ ત્રણ બોલ આ પુત્રની માતાના કલેજામાં કટારી પેઠે રમી ગયા. ત્રણ જ પેઢીથી કચ્છની ધરા મેલી દેનારું એ ગામનું રાજકુળ હજુ જાડેજી ભાષા જ બોલતું હતું.

“હિ જોરારજો કેર ?” [આ જોરારનો કોણ ?]

બાઈ સમજી ચૂકી. જોરાર એટલે એવી ભેંસ, કે જેને ઝાઝાં વેતર થઈ ગયાં હોય, ને ઝાઝી વાર વિયાવાથી જેનાં આંચળ ઢીલાં કોથળી જેવાં બની ગયાં હોય. આ ગાળ કોઈ પોતાને જ દેતું જાય છે. ગાળ દેનાર આંહીં નજીકમાં થઈને નીકળ્યો હોવો જોઈએ. નક્કી એણે મારી પીઠ પાછળ ઊભો રહીને ધાવતો બાળક નિહાળ્યો હોવો જોઈએ. આ નદી-કિનારાની ધ્રો-છવાઈ ધરતી પર એના અશ્વના ડાબલા અવાજ કર્યા વગર પડતા ગયા હોવા જોઈએ. એ મહેણું દરબાર જ દઈ રહ્યા છે. એણે મને ‘જોરાર’ કહી, એણે મારા છોકરાને ‘જોરારનો છોકરો’ કહી બદનામ દીધું. એણે મારી કાયા દેખી, ને મારાં શિથિલ અંગો દીઠાં. એ હસતો જાય છે, અને મારા ધણી, દરબારની વજીરાત કરતા પુરુષ, એ મૂંગે મોંયે સાંભળતા-સાંભળતા કાં ચાલ્યા જાય છે ?

એણે દરબારને છાજતો જવાબ કાં ન દીધો ? એણે એટલુંય શું ન કહ્યું, કે ‘એ જોરારના છોકરાના ઝપાટા તો, દરબાર, આગળ ઉપર જોઈ લેજો’ ?

બાઈને પાછળ દોડી જવાનું દિલ થયું. નાગડાને તેડીને ત્યાં પહોંચું, જાડેજા દરબારની સામે ઊભી ઊભી સંભળાવું, કે જોઈ લેજો આ જોરારનાને : નિહાળીનિહાળીને જોઈ લેજો. મારાં લબડતાં થાનને ધાવેલો આ બાળક એક દિવસ આ ગાળ બોલનારના ગળામાં પાછી ગળાવશે. એક દિવસ આ જોરારનો, ઢીલાં થાનનાં ધાવણનો હિસાબ ચૂકવશે.

પણ એણે પૂરાં લૂગડાં ય પહેર્યા નહોતાં, હજી તો નાહવું ય બાકી હતું, અને એ વિચાર કરતી રહી ત્યાં તો દસેય ઘોડેસવાર નાગની ગામના દરવાજામાં દાખલ થઈ ગયા.